DEDIAPADAGUJARATNARMADA

સાગબારાની નવરચના શાળા બિલ્ડિંગમાં મોડી રાત્રે દિપડાની લટાર સીસીટીવી માં કેદ, કૂતરાનો કર્યો શિકાર

સાગબારાની નવરચના શાળા બિલ્ડિંગમાં મોડી રાત્રે દિપડાની લટાર સીસીટીવી માં કેદ, કૂતરાનો કર્યો શિકાર

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 05/11/2025 – અગાઉ ઓગસ્ટ મહિનામાં શાળા કેમ્પસમાંથી વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો

 

સાગબારા તાલુકામાં ઠેરઠેર દીપડાનો આંતક

સાગબારા ખાતે આવેલી નવરચના હાઈસ્કૂલમાં ગત મોડી રાત્રે દિપડાની લટાર સીસીટીવી કેમેરા માં કેદ થઈ હતી.જેમાં ખૂબ ચતુરતા પૂર્વક કુતરાનો શિકાર કરતા નજરે પડ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો અને બાળકોના વાલીઓમાં હાલતો ભયનો માહોલ સર્જાયો છે.

 

સાગબારાની નવરચના શાળામાં છેલ્લા કેટલાક સમયથી મોડીરાત્રે દીપડો શાળા બિલ્ડીંગ સહિત કેમ્પસમાં લટાર મારતો કેદ થયો છે. જેમાં ગઈકાલે તો દીપડો શાળામાં બે માળ સુધી લટાર મારતો સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો.જ્યાં બીજા માળે બે કુતરાઓ હોવા છતાં તે નજરે ન પડતા પરત નીચે ઉતર્યો હતો અને કૂતરાઓને નીચે આવવાની ફિરાકમાં હતો. ગત મોડી રાત્રે બીજા માળે બે કુતરાઓ પૈકીનો એક કૂતરો નીચે આવતા ખુબજ ચતુરાઈ પૂર્વક શિકાર કરવામાં દીપડો કામયાબ નીવડ્યો હતો.જ્યારે બીજો કૂતરો ત્યાંથી બચી ને નાસી છૂટયો હતો.

 

 

બીજા માળે દિપડાની આવાની ગંધ પારખી ગયેલા બે કૂતરાઓ પૈકી મોકો જોઈને એક કૂતરો નીચે ઉતરવા જતા દીપડાએ તેને શિકાર બનાવ્યો હતો.દીપડાએ કૂતરાને જબડામાં ઝડપી લઇ મારણ કર્યું હતું અને શાળા આગળ ગાર્ડન તરફ મોમાં લઇ જતો સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો

 

શાળા સંચાલકોએ છેલ્લા કેટલાક દિવસોના રાત્રી દરમ્યાન ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રોજ રાત્રે અઢી વાગ્યાની આસપાસ દીપડો શાળા ખાતે લટાર મારતો નજરે પડ્યો હતો.અગાઉ 22 ઓગસ્ટ ના રોજ શાળા કેમ્પસમાં દીપડો પ્રવેશી જતા શાળા સંચાલકોએ વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પાંજરું મૂકીને ભારે ઝહેમત બાદ ત્રણ દિવસે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

 

પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાગબારા તાલુકામાં દીપડાઓનો આંતક વધ્યો હોય જ્યાં જુઓ ત્યાં દીપડાઓ નજરે પડી રહ્યા છે.નવરચના શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં હાલ ભયનો માહોલ સર્જાયો છે.તો સાથે સાથે બાળકોના વાલીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. કારણ કે નવરચના શાળા કેમ્પસમાં હોસ્ટેલ પણ આવેલી છે અને ત્યાં નાના મોટા બાળકો રહે છે.વન વિભાગ કાયમી ધોરણે દીપડાના ભયથી છૂટકારો અપાવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.

 

હાલ તો રાત્રી દરમ્યાન શાળામાં પ્રવેશી જતો દીપડો ગમે ત્યારે દિવસે પણ શાળામાં પ્રેવશ કરે તેના ભયથી શાળા સંચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આ દીપડો અગાઉ પાંજરે પુરવામાં આવેલ દીપડો જ છે કે પછી બીજો તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે દીપડાઓના કારણે અગાઉ કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે ત્યારે તાલુકામાંથી દિપડાઓને દૂર કરવામાં આવે તેવી માંગ અગાઉ પણ ઉઠી હતી અને આજે ફરી એકવાર ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!