MORBI:મોરબીમાં જામ્યું ઉત્સવનું વાતાવરણ “જોવા જેવી દુનિયા” જોઈ આવેલા મુલાકાતીઓના પ્રતિસાદ

MORBI:મોરબીમાં જામ્યું ઉત્સવનું વાતાવરણ “જોવા જેવી દુનિયા” જોઈ આવેલા મુલાકાતીઓના પ્રતિસાદ
આ પ્રદર્શન નથી,પણ દાદા ભગવાન પરિવાર અને તેમના સ્વયંસેવકો દ્વારા સમાજની સમજણ સુધારવા માટેનું એક ખાસ પગલું છે! આવા પ્રદર્શનથી સમાજમાં ઘણો પોઝિટીવ રિસ્પોન્સ જાય છે. બાળકો, જે અત્યારે ટીવી અને મોબાઈલમાં રચ્યા રહે છે, એમને સારા સંસ્કાર મળે છે.
ફૂડ કોર્ટમાં લાઈવ જમવાનું અને ચોખ્ખાઈ એટલા સરસ હતા કે જે આપણા ઘરે પણ ના હોય.“જોવા જેવી દુનિયા” માં ઓર્ગેનાઈઝેશન, પાર્કિંગ, બાળકો માટેની વ્યવસ્થા બધું બહુ સરસ છે.હવે પછીની પેઢી બોલવાથી કે વાંચવાથી સમજશે નહીં. ટેક્નોલોજી સાથે નાટકરૂપે કે ફિલ્મરૂપે સમજાવીએ તો સમજશે, એવી થીમ અહીં જોવા મળે છે.અહીંથી લોકો ફક્ત મનોરંજન નહીં પણ આત્મબળ, પ્રમાણિકતા અને નવી વિચારસરણી લઈને જશે.
લોકપ્રિય ગાયક કલાકાર ઓસમાણભાઈ મીરનો અહોભાવ
“હું ઘણા વર્ષોથી પૂજ્ય નીરુમાના સત્સંગ ફોલો કરું છું, પૂજ્યશ્રી દીપકભાઈના પણ ખૂબ સત્સંગ સાંભળ્યા છે. એ મારી સામે પ્રત્યક્ષ અહીં બેઠા, એ મારા જીવનની યાદગાર પળોમાંથી એક હતી. પૂજ્ય દાદાની જન્મજયંતિ પૂજ્યશ્રીની હાજરીમાં ઉજવાઈ અને એની ભક્તિમાં ગાવાનો, એ માહોલને માણવાનો અમને મોકો મળ્યો એ મારી ટીમ માટે બહુ સદભાગ્યની વાત છે.”
શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિમાં “અપૂર્વ અવસર” આવ્યો! બે કલાકમાં આત્મસાક્ષાત્કાર કરાવતી જ્ઞાનવિધિનું ૫ નવેમ્બરે આયોજન થયું, જેમાં લગભગ સાડા ત્રણ હજાર લોકોએ જ્ઞાન લીધું હતું.
ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાનું મોરબીને નિવેદન
“સમગ્ર મોરબી જીલ્લો નસીબદાર છે. મોરબીને મારું એક આહ્વાન છે કે, આવો લહાવો આપણને કેટલા વખત પછી મળ્યો છે, પૂજ્યશ્રી દીપકભાઈને મળવાનો, આશીર્વાદ લેવાનો, પ્રશ્ન પૂછવાનો. જે પણ મનમાં હોય એ પ્રશ્ન પૂછવાનો. નોર્મલ માણસ પૂછી શકે. અહીં કોઈ ભેદભાવ નથી. સમગ્ર મોરબી જીલ્લાને મારી નમ્ર વિનંતી છે કે અહીં એક વાર, બે વાર, ટાઈમ લઈને જરૂર આવો.”
અન્ય સત્સંગ હાઈલાઈટ્સ:જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ, ત્યાગ સંબંધી પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય દીપકભાઈએ ફોડ આપતા જણાવ્યું હતું કે ચોરી નહીં કરવાની, જુઠું નહીં બોલવાનું, વગેરે એ જ્ઞાન છે, એટલે કે જેમાં કરવું પડે એ જ્ઞાન. વિજ્ઞાનમાં કરવું ન પડે. વિજ્ઞાન એટલે ઈટસેલ્ફ ક્રિયાકારી. પાણીમાં એક જ વખત હાઈડ્રોજન-ઓક્સીજન છૂટા પાડવાનો પ્રયોગ ગોઠવીએ તો ઠેઠ છેલ્લા ટીપા સુધી બંને છૂટા પડ્યા જ કરે. સાકાર ગળી છે એ જ્ઞાન, અને મોઢામાં સાકરનો ટૂકડો મૂકી દઈએ ને અનુભવ થાય એ વિજ્ઞાન. જ્ઞાન અને ભક્તિ એક સિક્કાની બે બાજુ જેવું છે. અહીંથી એરપોર્ટ જવું હોય તો પહેલા ત્યાં પહોંચવાનું જ્ઞાન જોઈએ. પછી એ જ્ઞાન પ્રમાણે ફોલો કરવું એ ભક્તિ. જ્ઞાન પહેલા છે, પછી જ્ઞાન પ્રમાણે વર્તવું એ ભક્તિ છે. આત્માનું જ્ઞાન મળે, પછી આત્માની ભક્તિ થાય તો પૂર્ણાહુતિ થઈને ભગવાન જોડે અભેદ થવાય. પત્ની-છોકરા, ઘર-બાર છોડી દેવું એને ત્યાગ લીધો કહેવાય છે. પણ ભગવાને એમ કહ્યું છે કે વસ્તુનો ત્યાગ નહીં પણ મૂર્છાનો ત્યાગ એ ખરો ત્યાગ છે. આપણે ઘડિયાળ પહેરી હોય, તો એના મોહનો ત્યાગ કરો, ઘડિયાળનો ત્યાગ નથી કરવાનો. પછી ઘડિયાળ જતી રહે તો દુઃખ નહીં થાય.
“હું કોણ છું?” પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું કે, “એ જાણવા માટે જ આ સત્સંગ છે. આપણે પોતે આત્મા છીએ. હું ચંદુભાઈ છું કહીએ, પણ એ તો પાટિયું છે આ દેહને ઓળખવાનું. તમે પોતે “હું ચંદુભાઈ” કહેનારા કોણ? આનો પતિ છું, બાપ છું, પુત્ર છું, તો તમે ખરેખર કોણ છો? રીલેટીવના આધારે સંબંધો ઊભા થયા, તો હું રીયલમાં કોણ છું? હું રીયલમાં શુદ્ધ આત્મા છું.”
ચારગતિનું વર્ણન કરતા પૂજ્ય દીપકભાઈએ કહ્યું હતું કે પાશવી આનંદ લે તો તિર્યંચ (પશુ) ગતિમાં જાય. અનર્થ હિંસા કરે ને હજારો લોકોને મારી નાખે તો નર્કગતિ થાય. સુપર હ્યુમન જેવો સ્વભાવ રાખે તો દેવગતિ થાય. નીતિ, પ્રમાણિકતા રાખે તો મનુષ્યમાં પાછો આવે. છેલ્લે કર્મોથી મુક્ત થાય તો મોક્ષે પણ જાય.
આપણે અહંકારના ઘોડા ઉપર બેઠેલા અને બુદ્ધિથી બીજાના દોષ જોઇને સુધારવા જઈએ છીએ.
આપણા અભિપ્રાય છે કે, “આ લોકો આવા છે, તેવા છે”, તો આપણા અભિપ્રાય પ્રમાણે એ લોકોનો વ્યવહાર થશે. આત્મદૃષ્ટિથી જેટલું શુદ્ધ જોઈશું અને વ્યવહારમાં નિર્દોષ જોઈશું, તેટલું લોકો સાથે થતાં પ્રોબ્લેમ સોલ્વ થતાં જશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
મહોત્સવ અંતર્ગત પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ ૬ અને ૭ નવેમ્બરના રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમિયાન તેમ જ ૭ નવેમ્બર ના સવારે ૧૦.૧૫ થી ૧૨.૪૫ દરમ્યાન રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.












