
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ નવેમ્બર : ” જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ ” ની શરતે કચ્છ જિલ્લા માટે ધો. ૬ થી ૮ માટે ખાસ વિધાસહાયક ભરતી લાલન કોલેજ ખાતે ચાલુ છે. જેમાં ગુરુવારે પ્રથમ દિને સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા. ગાંધીનગરથી ફાળવાયેલ કુલ ૫૨૨ ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે ૪૮૦ ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે ૪૨ ઉમેદવારો ગેરહાજર રહ્યા. હાજર ઉમેદવારો પૈકી ૪૭૫ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી હતી. તો ૫ ઉમેદવારોએ પસંદગી ન કરી પોતાનો હક્ક જતો કર્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ ભુજ, અબડાસા અને લખપત તાલુકાની અંતરિયાળ જગ્યાઓ પ્રમાણમાં ઓછી ભરાઈ હતી જ્યારે અન્ય તાલુકાઓની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. સ્થળ પસંદગી કરેલ જનરલ અને આર્થિક પછાત વર્ગના ઉમેદવારોને લાલન કોલેજ ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા ઉપરાંત શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ વગેરેના હસ્તે નિમણૂક હૂકમ એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક હૂકમ મેળવનાર આ ઉમેદવારોને તા. ૮ નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધીમાં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. હાજર ન થનાર ઉમેદવારોનો પછી કોઈ હક્ક દાવો રહેશે નહીં. આ સાથે આજે સ્થળ પસંદગી કરેલ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ( SEBC) , અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ( ST) ના ઉમેદવારોને તેમના જાતિ અંગેના પ્રમાણપત્રોની વિભાગ મારફતે ખરાઇ થયા બાદ નિમણૂક હૂકમ વિતરણ કરવામાં આવશે. તેઓને નિમણૂક હૂકમ મળ્યે દિવસ ૭ માં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. શુક્રવારે ભાષા વિષયના ઉમેદવારોની સ્થળ પસંદગી રાખવામાં આવી છે જેમાં જિલ્લાને રાજ્ય કક્ષાએથી ૫૩૯ ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે.પ્રથમ દિવસની સમગ્ર ભરતી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક ધૃતિબેન મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ રૂઘાણી ,સામત વસરા,ગૌતમ ચૌધરી, સતાર મારા, રવિ સોલંકી, શિક્ષક સંઘના હોદ્દેદારો નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા, રમેશ ગાગલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતી પ્રક્રિયા માટે યોગેશ જરદોશ, પિયુષ પટેલ, નિલેશ ડેકાવાડિયા, જિતેન્દ્રસિંહ પરમાર, ઉત્તમ મોતા, ભાવેશ સેંઘાણી, દિલીપસિંહ જાડેજા, હિતેશ મહેશ્વરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ટીમ એજ્યુકેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.





