‘ગભરાશો નહીં, વિશ્વાસ રાખો-કેન્સર હારશે, તમે નહીં’: મક્કમ મનોબળ અને દૃઢ ઇચ્છાશક્તિથી કેન્સરને હરાવનાર શીતલબેનનો અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી સંદેશ

સમીર પટેલ, ભરૂચ
વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ કહે છે –
> “જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે હું અને મારો પરિવાર ખૂબ ગભરાઈ ગયા હતા, પરંતુ પરિવારના સહયોગથી હિંમત મળી. હું આજે બધા કેન્સરના દર્દીઓને કહેવા માંગુ છું કે — ગભરાશો નહીં, મજબૂત બનો અને વિશ્વાસ રાખો; કેન્સર સામેની લડતમાં જીત નિશ્ચિત છે.”
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલબેન નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દૃઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે. આજે તેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અનેક દર્દીઓ માટે પ્રેરણારૂપ બની છે.
વિશ્વભરમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે “વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ 2024માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો. વધુમાં, શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધીને ગઈ હતી.
જોકે, એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું. શીતલબેનએ મુંબઈ, સુરત અને અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી. તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.





