Vansda: જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાંસદા ખાતે આવેલ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આદિવાસી સમાજના તુર નૃત્યથી ગૌરવ રથ અને મહાનુભાવોનું સ્વાગત કરાયું*
મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિને અવસરે રાજ્યભરમાં “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત અંબાજી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ રથયાત્રા પ્રસ્થાન પામી છે.
આ રથયાત્રા આજે નવસારી જિલ્લાના અંતિમ મુકામ વાંસદા તાલુકાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પહોંચતા જ લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગૌરવરથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે આપણે સૌએ તેમની પ્રેરણાથી સમૃદ્ધ, સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.
સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સંબોધન થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વર્તમાન સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે એમ જાણવી યુવાનો આ યોજનાઓનો લાભ લઈ સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડા અને જનજાતિય ગૌરવ વર્ષ અંગે સ્થાનિક બોલીમાં નાગરિકો સાથે સંવાદ કરતા સૌને એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના ૨મતવિરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતિશિલ ખેડુતો, સ્થાનિક લેખકો, ડોક્ટર, વકિલ, ઉદ્યોગપતિઓને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત. કરાયા હતા. આ સાથે ગૌરવ યાત્રા દરમ્યાન યોજયેલ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોને પણ મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના આરંભે આદિવાસી સમાજના કલાકારોએ તુર નૃત્ય રજૂઆત કરી, મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ, તાલુકા પંચાયત્ન સભ્યો સહિતના ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










