કાલોલ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા ભાર્ગવ પંડ્યા.એમ.એસ.યુનિવર્સિટીમાં બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો મેળવ્યા.

તારીખ ૦૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના ભાર્ગવ નારાયણકુમાર પંડ્યા એ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ની ૭૪મી વાર્ષિક ઉપાધિ વિતરણ સમારંભ દરમિયાન એમ.એસસી. ભૌતિકશાસ્ત્ર (M.Sc. Physics) માં સર્વોચ્ચ CGPA – 9.25 ( 92.50 %) હાંસલ કરી એક અનોખી સિદ્ધિ મેળવી છે. આ માટે તેને બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો — પ્રોફ. ડી. વી. ગોગટે સુવર્ણ પદક અને પ્રોફ. એસ. કે. શાહ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા. સમારંભના મુખ્ય અતિથિ માન. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હતા (જોકે પદક વિતરણ સમયે તેઓ અન્ય કાર્યક્રમ માટે પ્રસ્થાન કરી ચૂક્યા હતા), જ્યારે પદકો શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ (કુલપતિ, એમ.એસ.યુ.) ના વરદહસ્તે એનાયત થયા. ભાર્ગવે ઉપાધિ સાથે બે પદકના પ્રમાણપત્રો પણ પ્રાપ્ત કર્યા તેમજ સાંજે યોજાયેલા “વી આર પ્રાઉડ ઑફ યુ” સમારંભમાં કુલપતિના નિવાસસ્થાને તમામ સુવર્ણ પદક વિજેતાઓ વચ્ચે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું આતબક્કે ભાર્ગવે પોતાના સંસ્મરણો વાગોળી પોતાના વતન કાલોલ નેવિશેષ યાદ કરેલ.આ સિદ્ધિ ભાર્ગવના માતા–પિતા તથા સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. બાળપણથી જ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે રસ ધરાવતા ભાર્ગવે મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા આ સફળતા હાંસલ કરી છે. ખરેખર, તેની આ સફર “વિચારથી શ્રેષ્ઠતા સુધીની યાત્રા” તરીકે પ્રેરણારૂપ બની રહેશે. આ તબક્કે સમસ્ત કાલોલ બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને તેને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.






