AHAVADANGGUJARAT

ડાંગના વઘઇ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જનજાતિય ગૌરવ રથનુ કરાયુ ભવ્ય સ્વાગત….

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

*આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીડૉ. જયરામભાઈ ગામીત જનજાતિય ગૌરવ રથના સ્વાગતમા સહભાગી થયા*

*રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં યોજાઈ રહેલ જનજાતિય ગૌરવ યાત્રાથી નવી પેઢી ભગવાન બિરસા મુંડાના યોગદાનથી વાકેફ થાય તે જરૂરી છે*: મંત્રી નરેશભાઈ પટેલ

*જિલ્લાના વિવિધ વિભાગના કુલ ૫૯ વિકાસ કામોનું રૂ. ૨૭૧.૩૭ લાખના ખર્ચે ખાતમુહુર્ત તેમજ રૂ. ૧૦૦.૪૧ લાખના ખર્ચે તૈયાર થયેલા ૩૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું :*

દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની  ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોચી રહ્યા છે.

આ જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત તા.૭ મી નવેમ્બરના રોજ વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજરોજ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવી પહોચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

આ વેળા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે આઝાદી માટે શહિદીને વરેલા અનેક દેશભક્તોમાં આદિવાસી સમાજના મસીહા ભગવાન બિરસા મુંડાજીએ પણ પોતાનું જીવન અર્પણ કર્યું છે. ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાથી બોધ લઇ દેશભક્તિનો ગુણ અપનાવે તે માટે આહવાન કર્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદેશ્ય ભગવાન બિરસા મુંડાના યોગદાનથી વાકેફ કરવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યાં છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું વર્ષ ૨૦૧૭ માં ભૂમિપૂજન કર્યુ હતું, અને તાજેતરમાં લોકાર્પણ કરી આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ છે. આવનારી પેઢીને આત્મનિર્ભર ભારતની ભેટ આપવાની દિશામાં વડાપ્રધાનશ્રી સતત મહેનત કરી રહ્યા છે. તેને વધુ મજબૂત બનાવવા માટે આપણે સૌ એ પણ વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા યોગદાન આપવુ જરૂરી છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે આપણે સૌએ તેમની પ્રેરણાથી સમૃદ્ધ, સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. મંત્રીએએ વધુમાં તમામ લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપી લોકોને વિવિધ વિભાગના યોજનાકીય લાભો લેવાં અનુરોધ કર્યો હતો. ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહયો છે. ત્યારે અહીંની પ્રાકૃતિક પેદાશોને પ્રોત્સાહન મળે, તેમજ સખી મંડળની બહેનો, ગૃહ ઉદ્યોગનો વિકાસ થાય લોકો આત્મનિર્ભર બને તેમજ સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને આહવાન કર્યું હતું. સાંસદ ધવલભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં આદિવાસી સમાજ મોખરે હતો. આદિવાસી સમાજને ગૌરવ અપાવવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે તે આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે.આદિવાસી સમાજની ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવા, તેમજ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને લાભ લોકો સુધી પહોંચાડવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ પણ સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે, ત્યારે તેઓ ફક્ત આદિવાસી સમાજ નહિ તમામ સમાજના નાગરીકો માટે પ્રેરણાસ્ત્રોત હતા. ભગવાન બિરસા મુંડાજીનું જીવન ખુબ જ પ્રેરણાદાયક હતું.

દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના લોકોને ગૌરવ અપાવ્યું છે. આગામી તા. ૧૫મી નવેમ્બરના રોજ આહવા, વઘઈ અને સુબીરમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું.તેમણે સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજ અન્ય સમાજની જેમ જ અગ્ર હરોળમાં આવે તે માટે અમલમા મુકવામા આવેલ વનબંધુ કલ્યાણ યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા.આ અવસરે ભગવાન બિરસા મુંડાજીના જીવન સંઘર્ષને દર્શાવતી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામા આવી હતી. આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.“જન જાતિય ગૌરવ રથ યાત્રા” નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભોના વિતરણ સહીત પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કુલ રૂ. ૨૭૧.૩૭ લાખના ૫૯ જેટલા વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ કુલ રૂ.૧૦૦.૪૧ લાખની રકમના કુલ ૩૦ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહિં સેવાસેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ડાંગ જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા સેવાકીય લાભ લોકોને આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત, સહિત જિલ્લા તાલુકાના સદસ્યઓ, ભાજપા સંગઠનના સર્વે પદાધિકારીઓ, વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર  આંનદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર ડો.વિ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ. ડી. તબીયાર, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા સહિત જિલ્લા/તાલુકાના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!