થરાદ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ખેડૂતોમાં ખુશીનો માહોલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખરીદી પ્રક્રિયાના પ્રારંભે પ્રથમ તબક્કામાં 11 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ ખેડૂતો મગફળી લઈને માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા.
આ પ્રસંગે સંઘના ચેરમેન તેમજ ઉપસ્થિત ખેડૂતો દ્વારા એકબીજાને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને મગફળીની ટેકાભાવે ખરીદીનો શ્રીગણેશ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ટેકાના ભાવે સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
માર્કેટયાર્ડ સંચાલન મુજબ અત્યાર સુધીમાં આશરે 10,000 ખેડૂતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવામાં આવી છે, જેમાંથી દરરોજ 11 ખેડૂતોને મેસેજ કરીને મગફળી ખરીદી માટે બોલાવવામાં આવે છે. આ પ્રક્રિયા તબક્કાવાર રીતે ચાલુ રહેશે જેથી તમામ નોંધાયેલ ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે.
મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને યોગ્ય ટેકો મળે તે માટે સરકાર અને સંઘ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનો વિશ્વાસ વધે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને તે માટે આ પહેલને ખેડૂતો દ્વારા સરાહના મળી રહી છે




