GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવતા ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા

તા.9/11/2025

વાત્સલયમ્ સમાચાર

રાજ્ય સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ આજથી સમગ્ર રાજ્યની સાથે ગોંડલમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણયો, રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદીનો નિર્ણય આવકાર્ય : ગીતાબા જાડેજા

Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ જામવાડી GIDC નજીક, નાયરા પેટ્રોલ પમ્પની સામેના ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાએ કરાવ્યો હતો.

આ ખરીદીના શુભારંભ પ્રસંગે ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાએ ખેડૂતોને હાર પહેરાવી, શ્રીફળ વધેરી અને મીઠું મોઢું કરાવીને વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ ખરીદી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો લેવાયેલો નિર્ણય ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખરીદી કેન્દ્ર પરની વ્યવસ્થા પણ સુચારુરૂપે ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં આર્થિક સુરક્ષા અને સંતોષની ભાવના ફેલાઈ છે.

આ તકે ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણયો લેવાઈ રહ્યા છે રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદીનો નિર્ણય આવકાર્ય છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452/- જાહેર કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ પ્રતિ ક્વિન્ટલ રૂ.480/- નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ચાલુ વર્ષે ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.

ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં ટેકાના ભાવે મગફળી વેચવા 32,600 જેટલા ખેડૂતોની એન્ટ્રી થઈ છે, જે સૌરાષ્ટ્રમાં લગભગ સૌથી મહતમ છે.

ગોંડલ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની મુખ્ય જવાબદારી જામવાડી જૂથ સેવા સહકારી મંડળીને સોંપવામાં આવી છે. મંડળી દ્વારા જામવાડી GIDC નજીક, નાયરા પેટ્રોલ પમ્પની સામેના ગ્રાઉન્ડ ખાતે સુવિધાસભર ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં GUJCOMASOL જેવી રાજ્ય નોડલ એજન્સીઓ મારફતે 300 થી વધુ કેન્દ્રો પરથી આ ખરીદી હાથ ધરવામાં આવી રહી છે.

જામવાડી મંડળી દ્વારા ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. મગફળી વેચવા આવનાર ખેડૂતોને માત્ર રૂ.10/- ના ટોકન ભાવે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ગરમાગરમ ભોજન પૂરું પાડવામાં આવશે, સાથોસાથ પીવાના પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદી કેન્દ્ર પર પારદર્શિતા જળવાઈ રહે તે માટે “કેન્દ્રના કોઈપણ મજુર કે સ્ટાફ નાણા (પૈસા) માંગે તો આપવા નહીં અને જો માંગે તો નીચેના નંબર પર જાણ કરવી” તેવા સ્પષ્ટ સૂચના આપતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

ગોંડલ તાલુકામાં જામવાડી ઉપરાંત શ્રી બીલીયાળા જૂથ સેવા સહકારી મંડળી અને કોલીથડ જૂથ સેવા સહકારી મંડળીના કેન્દ્રો પર પણ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરશ્રી પ્રફુલભાઈ ટોળીયા, ઉપ સરપંચ વિનુભાઈ મોણપરા, અગ્રણીશ્રી અશ્વિનભાઇ ઠુંમર સહિતના આગેવાનો અને ખેડૂતો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!