INTERNATIONAL

16 વર્ષથી નાના બાળકો નહીં ચલાવી શકે FB-ઇન્સ્ટા કે યુટ્યુબ !!!

બાળકોની ઓનલાઇન સુરક્ષાને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયન સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન એન્થની આલ્બનીઝ(PM Anthony Albanese)એ કહ્યું છે કે, ‘બાળકોનું માનસિક આરોગ્ય અને તેમના વિકાસને સુરક્ષિત રાખવા માટે આ કાયદો લાવવો ખૂબ જરૂરી હતો. આ નવો નિયમ 10 ડિસેમ્બર 2025થી લાગુ થશે. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ બાળક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવી નહીં શકે અને જૂનું એકાઉન્ટ ચલાવી પણ નહીં શકશે.

ઓસ્ટ્રેલિયા સરકારે ‘ઓનલાઇન સેફ્ટી એમેન્ડમેન્ટ (સોશિયલ મીડિયા મિનિમમ એજ) બિલ 2024’ રજૂ કર્યું છે. આ કાયદા મુજબ દેશમાં 16 વર્ષની ઉંમર પહેલા કોઈપણ બાળક માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ગેરકાનૂની ગણાશે. આનો અર્થ એ છે કે, પ્લેટફોર્મ્સે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ બંધ કરવા પડશે. સરકારે કહ્યું છે કે, આ કાયદો બાળકોને ઇન્ટરનેટ પરના વધતા જોખમોથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે.

સરકારે કહ્યું છે કે, આ નિયમ લગભગ તમામ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ થશે, જેમાં Facebook, Instagram, TikTok, Snapchat, X, YouTube, Reddit અને Kick જેવા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ્સે બાળકોની ઉંમરની ઓળખ માટે કડક વેરિફિકેશન સિસ્ટમ પણ લાગુ કરવી પડશે. નિયમ હેઠળ નક્કી ઉંમરથી નીચેના યુઝરનું એકાઉન્ટ ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન ગણાશે. નવો કાયદો 10 ડિસેમ્બર 2025થી લાગુ થશે.

Back to top button
error: Content is protected !!