
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષકની મુલાકાત દરમ્યાન ડાંગ જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રિલનું આયોજન.
સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IGP) પ્રેમવીર સિંહે મંગળવારે ડાંગ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન કર્યું હતુ. આ નિરીક્ષણ દરમિયાન જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મહત્ત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.ઈન્સ્પેક્શનના ભાગરૂપે બે મુખ્ય મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ મોકડ્રિલમાં, પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે એક પ્રવાસી બસમાં છુપાયેલા બે આતંકવાદીઓને ઝડપી પાડવાનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ઝડપી કાર્યવાહીનો અભ્યાસ કર્યો હતો. જ્યારે બીજી મોકડ્રિલમાં, ડાંગ જિલ્લાના સળગતા પ્રશ્ન ‘ડેમ બચાવો આંદોલન’ને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓને કાબૂમાં લેવા માટેની કવાયત કરવામાં આવી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની તૈયારી ચકાસી શકાય.નિરીક્ષણ અને મોકડ્રિલ બાદ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.વાર્ષિક ઈન્સ્પેક્શનના સમાપન બાદ પ્રેમવીર સિંહ દ્વારા જિલ્લાના નાગરિકો સાથે એક લોકસંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સંવાદમાં જિલ્લાના આગેવાનો અને વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ વડા (SP) પૂજા યાદવે જિલ્લામાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સહિત અન્ય સુરક્ષા સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે નાગરિકોને ખાતરી આપી હતી. ડાંગ SP દ્વારા સામાજિક પ્રોજેક્ટ્સને બિરદાવવામાં આવ્યા હતા.
<span;>SP પૂજા યાદવે આહવાના આગેવાનોમાં હરિરામભાઈ સાંવત અને આઝાદસિંહ બધેલની કામગીરીને બિરદાવી હતી. તેમણે ‘દેવી પ્રોજેક્ટ’, ‘પ્રવાસી મિત્ર’ અને ‘સંવેદના પ્રોજેક્ટ’ જેવા સામાજિક સુરક્ષા અને જાગૃતિના પ્રોજેક્ટ્સમાં આ બંને આગેવાનોને મળેલી સહાનુભૂતિ અને સહયોગને સરાહનીય ગણાવ્યો હતો.આ કાર્યક્રમમાં ડાંગ પોલીસ વડા પૂજા યાદવ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકો જયદીપ સરવૈયા, જનેશ્વર નલવૈયા સહિત જિલ્લાનાં તમામ પોલીસ મથકોના પોલીસ ઇન્સપેક્ટરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને અન્ય પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






