AHAVADANGGUJARAT

ડાંગ: સુબીર તાલુકા પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગનો ગંભીર આક્ષેપ: ખાંભલા ગ્રામ પંચાયત વિવાદમાં..!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુબીર તાલુકા પંચાયતના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખાંભલા ગ્રામ પંચાયત પર સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. પંચાયત દ્વારા 15 ટકા વિવેકાધીન જોગવાઈ  હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ તદ્દન બિનઉપયોગી અને શંકાસ્પદ કામગીરી માટે કરાયો હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ખાંભલા ગ્રામ પંચાયતને વર્ષ 2025–26 માટે 15 ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂપિયા 5 લાખની માતબર સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પંચાયત દફતરે આ રકમનો ઉપયોગ ગુરૂડીયા ગામે મુખ્ય માર્ગથી સ્મશાન તરફ જતાં માર્ગ ઉપર નાળાનાં બાંધકામ માટે કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જોકે, જ્યારે ગામના જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની આશંકાઓ હકીકતમાં પરિવર્તિત થઈ હતી. સ્થળ પર જાણવા મળ્યું કે જે જગ્યાએ આ નાળું બાંધવામાં આવ્યું છે, તે મુખ્ય માર્ગથી દૂર જંગલ તરફની બિનજરૂરી પગદંડી પાસે આવેલું છે. આ સ્થાન સામાન્ય ગ્રામજનોના દૈનિક અવર-જવર માટે તદ્દન બિનઉપયોગી છે અને તે વિસ્તારમાં નાળા બાંધવાની કોઈ તાતી કે તાર્કિક જરૂરિયાત પણ નહોતી.ત્યારે  પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ હિતને બદલે ખાનગી કે રાજકીય હિત સાચવવા માટે કરવામાં આવ્યો હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. આ લાખો રૂપિયા માત્ર કાગળ પર વાપરવામાં આવ્યા હોય અને બાંધકામ માત્ર દેખાવ ખાતર જ કરાયું હોય તેવી પણ શક્યતા  સેવાઈ રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગુરૂડીયા ગામમાં અનેક મુખ્ય વિસ્તારો, જેમ કે નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને ખેતરો તરફના માર્ગો, ચોમાસામાં પાણી ભરાઈ જવાથી બિલકુલ બિસ્માર થઈ જાય છે અને ત્યાં નાળાની ખરેખર જરૂરિયાત છે. આ જરૂરી કામો કાં તો અધૂરા પડ્યા છે અથવા તેને અગ્રતા આપવામાં આવી નથી. જ્યારે તદ્દન બિનજરૂરી જગ્યા પર પાંચ લાખ રૂપિયા જેવી મોટી રકમનું આંધણ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના સરકારી નાણાંના બેફામ ખર્ચ અને વહીવટી બેદરકારીનો ઉત્તમ નમૂનો છે.આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરીમાં પારદર્શિતાનો સદંતર અભાવ જોવા મળ્યો છે. ગામના જાગૃત લોકોનું કહેવું છે કે,આ પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર માહિતી કે નોટિસ જાહેર કરવામાં આવી નહોતી.લાખોના કામ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા નિયમાનુસાર થઈ છે કે કેમ, તે અંગે પણ શંકા છે.બાંધકામમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા (Quality) પણ અત્યંત હલકી કક્ષાની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.આ ગંભીર દુરુપયોગ બદલ ગામના લોકોએ તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા પંચાયત દ્વારા આ મામલે સઘન તપાસ  હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ ઉગ્ર સ્વરે સવાલ કર્યો છે કે,“જે જગ્યા પર નાળાની જરૂરિયાત જ ન હતી ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ કેમ કરવામાં આવ્યો? શું પંચાયતના હોદ્દેદારોએ આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના ખાનગી વહીવટ માટે કર્યો છે? આ શું સીધેસીધી સરકારી નાણાંની લૂંટ નથી?”સુબીર તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો માત્ર ખાંભલા જ નહીં, પરંતુ તાલુકામાં વિવેકાધીન જોગવાઈ હેઠળ થયેલા આવા અન્ય તમામ કામોની તટસ્થ તપાસ થાય, તો મોટી ગેરરીતિઓનું વિશાળ નેટવર્ક બહાર આવી શકે છે. જવાબદાર વ્યક્તિઓ સામે માત્ર બદલી નહીં, પરંતુ નાણાકીય ગેરરીતિ બદલ કડક ફોજદારી કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવા સરકારી નાણાંના દુરુપયોગને અટકાવી શકાય.જોકે વહીવટી તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું જ રહ્યું.

Back to top button
error: Content is protected !!