GUJARATKUTCHNAKHATRANA

વિશ્વગ્રામના યુવાનોનો નિરોણા મધ્યે ગ્રામનિવાસ: કલા, સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ગ્રામજીવનનો જીવંત અનુભવ.

ગામમાં રહીને જીવવાની, શીખવાની અને મૂળ સાથે જોડાવાની પ્રેરણાદાયી સફર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા, તા. 12 નવેમ્બર : કચ્છ જિલ્લાના પાવરપટ્ટીના કેન્દ્રરૂપ નિરોણા ગામ મધ્યે દિવાળી વેકેશન દરમિયાન વિશ્વગ્રામ દ્વારા છ દિવસીય ગ્રામનિવાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ૧૬ જેટલા યુવક-યુવતીઓએ કોમી એખાલસના પ્રતિક સમા શ્રી ફુલપીર દાદાના સ્થાનકે ગ્રામજીવનનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો.વહેલી સવારે પ્રકૃતિદર્શન, પ્રાર્થના, મૌન સાધના અને પ્રભાતફેરીથી દિવસની શરૂઆત થતી. શિબિરાર્થીઓએ સ્વ-ઘડતર માટેની પ્રવૃત્તિઓ જેમ કે સદવાંચન, સત્સંગ, શ્રમકાર્ય, કલાદર્શન, સાવરણા બનાવવા, લીંપણકામ તેમજ ગ્રામ બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.સ્થાનિક કલાઓ જેવી કે રોગાન આર્ટ, કોપર બેલ આર્ટ, લાખકામ અને ભરતગુંથણ વગેરે કલાનું નિદર્શન કરીને કચ્છની લોકકળાનો પરિચય મેળવ્યો. વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ કર્યો.નિરોણા અને વેડહાર ગામે યોજાયેલા બાળમેળામાં શિબિરાર્થીઓએ કાગળકામ, માટીકામ, રેંટિયો કાંતવો, જીવન સીડી જેવી ૧૦ જેટલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખવી. આશરે ૨૦૦ બાળકો આનંદ સાથે શીખ્યા અને રમ્યા. ચેસ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ ઝાલાએ બાળકોને ચેસની તાલીમ આપી, જ્યારે સાંજે ફિલ્મ ‘હારુન અરુન’નું દર્શન અને મનોરંજક કાર્યક્રમો દ્વારા શિબિરનું માહોલ આનંદમય બનેલ હતુ.ગામની બહેનોએ ભજન-કીર્તન અને ભાઈઓએ આરાધીવાણી દ્વારા ભક્તિભાવનું વાતાવરણ સર્જ્યું. પ્રવીણભાઈએ અભિનય ગીત, જોક્સ, મિમિક્રી વડે સૌ શ્રોતાજનોને આનંદિત કર્યા હતા. સરપંચ નરોત્તમભાઈએ ગામની વિવિધ વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. ગાંધીજન રમેશભાઈ સંઘવી, મેંગો ગ્લોબલ સ્કૂલના કેતનાબહેન તથા કારીગર શાળા ભુજના અતુલભાઈએ શિબિરને ઉર્જાવાન બનાવેલ હતી. શિબિરને સફળ બનાવવા માટે ફુલપીર દાદાના સ્થાનકે જમનાબહેન, સલીમભાઈ, મહેરોજી સોઢા તથા ગામજનોના સહકારથી સુવિધાજનક આયોજન થયું. વિશ્વગ્રામના તુલા-સંજયના માર્ગદર્શન હેઠળ દર્શનભાઈએ સંચાલન સંભાળ્યું, જ્યારે મોહનભાઈ અને તેમના પરિવારના સહયોગથી ગ્રામનિવાસ શિબિર ઉત્સાહભેર સંપન્ન થઈ.ગ્રામજીવનનો અનુભવ, પરંપરાગત કળાનો પરિચય અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ શિબિર સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી.

Back to top button
error: Content is protected !!