નેત્રંગમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા:બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, MLA ચૈતર વસાવા-અનંત પટેલ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી




સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતા જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈઓ- બહેનો ટોળે વળીને સ્થળ પર ઉમટી પડ્યા હતા. નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી રહી હતી,જેમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યો હતો.
આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો.ખાસ કરીને ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાના 150 જન્મ જયંતિની શુભેરછાઓ આપી તેમના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ,સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા,વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી.તમામે ભગવાન બિરસા મુંડાના જીવનસંદેશ અને આદિવાસી સમાજના હક્ક-અધિકાર માટેની તેમની લડતને યાદ કરતાં સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા.
બીજી તરફ,આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની 150મી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.વડાપ્રધાનની હાજરી અને બીજી તરફ નેત્રંગ ખાતે યોજાયેલા આ વિશાળ સમારોહ વચ્ચેનો સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો હતો.
કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો. આ સમગ્ર આયોજનના માધ્યમથી આદિવાસી સમાજએ બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.




