વિસત, સાબરમતીમાં પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા બાળદિનની હર્ષભેર ઉજવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા અભિનવ પ્રાથમિક શાળા, વિસત ખાતે બાળદિન ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં બાળકોને ભારતના મહાન નેતાઓ પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
નહેરુના જન્મદિને ઉજવાતા બાળદિન, સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને મહાત્મા ગાંધીના જન્મદિને મનાવવામાં આવતા અહિંસા દિવસના મહત્વ અંગે બાળકોને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું. બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શાહીબાગ સ્થિત સરદાર સ્મારક, સાબરમતી આશ્રમ અને ગાંધીનગરના મહાત્મા મંદિર વિશે પણ માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં ભરત પંચોલીએ બાળકોને ભારતીય મહાનુભાવોના જીવન પરથી પ્રેરણા લેવા અને રાષ્ટ્રીય સ્મૃતિસ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા. રાજુભાઈ રબારીએ બાળપણ, શિક્ષણ અને મૂલ્યો વિશે રસપ્રદ કાવ્યો રજૂ કર્યા હતા. મણિલાલ શ્રીમાળી મિલનએ ગીજુભાઈ બાધેકાની બાળસભા, બાળવાર્તાઓ અને શિક્ષણક્ષેત્રે કરેલ યોગદાન ઉપર પ્રકાશ પાડી બાળકોને સંસ્કાર અને સર્જનાત્મકતાની દિશામાં માર્ગદર્શન આપ્યું.
બાળકો દ્વારા રજૂ કરાયેલ સુંદર નાટ્યરૂપી કાર્યક્રમને સૌએ વખાણ્યા. ત્યારબાદ વિવિધ વિદ્યાર્થીઓએ વાર્તાઓ રજૂ કરી પોતાના અભિવ્યક્તિ કૌશલ્યનું પ્રદર્શન કર્યું.
વાલીઓને સંબોધતા ભરત પંચોલીએ બાળવિકાસમાં વાર્તાઓના મહત્વ અંગે જણાવ્યું. તેમણે વાલીઓને અનુરોધ કર્યો કે દાદા, દાદી, માતા અને પિતા બાળકોને વાર્તાઓ કહે, જેથી બાળકોની કલ્પના શક્તિ, સર્જનશક્તિ અને અભિવ્યક્તિની કળા વિકસે. બાળકોને મોબાઇલનો ઉપયોગ ઓછો કરી વાંચન અને રમતો તરફ વળવાની સલાહ પણ આપવામાં આવી.
કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પૂર્વી સેવા ટ્રસ્ટ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ખાસ નોંધનીય છે કે આજે ગંગારામભાઈ મકવાણાએ દાદાજી જિંદાબાદ પુસ્તક સ્કૂલને અર્પણ કર્યું, જેનું સૌએ સ્વાગત કર્યું.
શાળા ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, આચાર્ય નિકિતાબેન, શાળાનો સ્ટાફ, વાલીઓ, શિક્ષણપ્રેમી મંજુલાબેન પરમાર તથા મોટી સંખ્યામાં બાળકો કાર્યક્રમમાં હાજર રહ્યા. નિકિતાબેને આભારવિધિ કરીને વાલીઓને આવી પ્રવૃત્તિઓમાં બાળકોને વધુ પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.







