
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૧૮ ડિસેમ્બર : ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી અમતિ અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાને આપી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રાકૃતિક ખેતી સાથે તાજેતરમાં નવા જોડાયેલા ખેડૂતોની સંખ્યા અને તેમની ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા, કલસ્ટરદીઠ તાલીમ, મોડલ ફાર્મ, પ્રાકૃતિક પેદાશોના વેચાણકેન્દ્રો, સબસીડી, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જમીનમાં સેન્દ્રિય કાર્બનની ટકાવારી, જમીન નમૂનાઓનું લેબમાં પરિક્ષણ, જીવામૃત અને ધનામૃત બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સહાય યોજનાઓ, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા ગ્રામ્યકક્ષાએ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરનાર ખેડૂતો વગેરે અંગેની વિગતો મેળવી હતી. ઉપરાંત કલસ્ટર નોડલ અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે રીતે આયોજન કરવા માટે માર્ગદર્શન પુરું પાડયું હતું. આ સમીક્ષા બેઠકમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.



