મેડિસિટી અમદાવાદના ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ચિલ્ડ્રન્સ ડેની આનંદમય ઉજવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 14 નવેમ્બર 2025ના રોજ ચિલ્ડ્રન્સ ડે હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં સંસ્થામાં સારવાર લઈ રહેલા તથા સ્વસ્થ થઈ ચૂકેલા અનેક વિશેષ બાળદર્દીઓ અને તેમના માતા-પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉજવણીમાં ખાસ કરીને ઓટિસ્ટિક બાળકો, કૃત્રિમ હાથ-પગ લગાવ્યા પછી સક્ષમ બનેલા બાળકો, ક્લબફૂટમાંથી સાજા થયેલા બાળકો તથા કોક્લીયર ઇમ્પ્લાન્ટની મદદથી સાંભળવા અને બોલવા સક્ષમ બનેલા નાના દર્દીઓની વિશેષ હાજરી કાર્યક્રમનું કેન્દ્ર બન્યા હતા. સંસ્થાની ટીમે આવા બાળકોની અનોખી ક્ષમતાને બિરદાવી અને તેમની હિંમતને વધાવતા ઇનામો આપી સન્માનિત કર્યા.
કાર્યક્રમનું નેતૃત્વ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલે કર્યું. તેમણે બાળકો સાથે સંવાદ કર્યો અને સંસ્થાની તરફથી મળતી આધુનિક સારવાર સુવિધાઓ અને પુનર્વસન સેવાઓ અંગે માહિતી આપી. આર.એમ.ઓ, વિભાગ વડાઓ, ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી ચાર વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ તેમજ અનેક ડોકટરો અને સ્ટાફ સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
બાળકો માટે રમુજી પ્રવૃત્તિઓ, સર્જનાત્મક સ્પર્ધાઓ અને પ્રેરણાત્મક વાર્તાઓ પણ યોજવામાં આવી. ઉપસ્થિત માતા-પિતાએ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળતી મફત અને અસરકારક સારવાર, પુનર્વસન સેવાઓ તથા માનવીય અભિગમની પ્રશંસા કરી.
આપણા સમાજમાં ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને યોગ્ય માર્ગદર્શન, સમયસરની સારવાર અને સતત પ્રોત્સાહન મળે તો તેઓ પણ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક જીવનમાં સફળતાપૂર્વક આગળ વધી શકે છે—તેવું સંદેશ આગામી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.







