
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર કમોસમી વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામ તથા સી.સી. રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જે અન્વયે કચ્છમાં મુન્દ્રા-બારોઇ નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મુન્દ્રા અને બારોઈ વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક તથા સી.સી.રોડની કામગીરી હાથ ધરાઈ હતી. આ સાથે નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના હેઠળ સુરજનગર, ઉમિયાનગર અને ગુંદાલા રોડ સહિતના વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઝડપી કામગીરીથી આગામી દિવસોમાં અહીંથી પસાર થતા નાગરિકોનું ૫રિવહન સુગમ બનશે તેમ મુન્દ્રા નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.





