DEDIAPADA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ૧૫ નવેમ્બર- જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભરી ઉજવણી,

વડાપ્રધાનના હસ્તે રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ - ગુજરાતના જનજાતી સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું લોન્ચિંગ. વડાપ્રધાન એ બિરસા મુંડાના વંશજ બુધરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ૧૫ નવેમ્બર- જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભરી ઉજવણી,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : દેડિયાપાડા

 

વડાપ્રધાનના હસ્તે રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ – ગુજરાતના જનજાતી સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું લોન્ચિંગ.

 

વડાપ્રધાન એ બિરસા મુંડાના વંશજ બુધરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા,

 

જનજાતિ યુવાનોને મહેનત, પરંપરા, કાબેલિયત વિરાસતમાં મળ્યા છે જનજાતિ સમાજની માટીની મહેંક, પરંપરા, પુરૂષાર્થ અને ભાવિ આકાંક્ષાઓને એકસૂત્રમાં જોડીને જનજાતીય ગૌરવને પુન: ઉજાગર કરવાનું બીડું અમારી સરકારે ઉઠાવ્યું છે.

૨૦૧૪ પહેલા ભગવાન બિરસા મુંડા અને તેમના યોગદાનને ભૂલાવી દેવામાં આવ્યા: આ સરકારે આ જનજાતિ જનનાયકોને ઉચિત સન્માન અપાવ્યું સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છેડ્યું છે: આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું સિકલસેલ હેલ્થ સ્ક્રીનીંગ પૂર્ણ કરાયું

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: : દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરીને વડાપ્રધાનશ્રીએ તેમને સાચા અર્થમાં સન્માન આપ્યું

‘આપણો દેશ, આપણું રાજ’ના સૂત્રની પ્રેરણા સાથેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન ‘આત્મનિર્ભર-વિકસિત ભારત’ના સંકલ્પના રૂપમાં ચરિતાર્થ થઈ રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ ભાવવંદના કરતાં જણાવ્યું હતું કે, દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે.

 

આઝાદીની લડાઈ, જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા તેમજ જનજાતિ સંસ્કૃતિના જતન માટે જન-જનમાં ચેતના પ્રગટાવનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતું.

 

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને યાદગાર બનાવવા અને જનજાતિય નાયકોના શૌર્ય તથા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.

 

વડાપ્રધાનએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ૧૫મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કુલ રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાનએ ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું પણ લોન્ચિંગ કર્યું હતું.

 

વડાપ્રધાન એ સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરા ધામમાં જનજાતિઓના આરાધ્ય યાહા મોગી પાંડોરી માતાના દર્શન અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે સમારોહના સભામંડપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં જનજાતિ બાંધવોનું અભિવાદન ઝીલ્યું હતું.

 

વડાપ્રધાનએ વિશાળ જનજાતિ જનસમુદાયને સંબોધતા વધુમાં જણાવ્યું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના શુભ અવસરે આપણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો છે. આ એ જ જનમંત્ર છે જેનાથી ‘વિકાસમાં કોઈ પાછળ ન રહે અને કોઈ વિકાસથી વંચિત પણ ન રહે’ની ભાવના સાથે સરકારે જનજાતિઓના ઉત્કર્ષનો માર્ગ કંડાર્યો છે.

 

આઝાદીના જંગ અને દેશના વિકાસમાં જનજાતિઓના યોગદાનની સરાહના કરતા વડાપ્રધાનએ ભૂતકાળની સરકારો દ્વારા જનજાતિ સમુદાય પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, છ દાયકા સુધી દેશ પર શાસન કરનારા વિપક્ષો દ્વારા ભગવાન બિરસા મુંડાની સદંતર ઉપેક્ષા થઈ હતી. એટલું જ નહીં, જનજાતિઓને અન્યાય કરવામાં આવ્યો અને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાને બદલે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

 

જનજાતિ બંધુઓને તેમની સરકારે આપેલા ગૌરવ-સન્માન સંદર્ભમાં વડાપ્રધાન એ કહ્યું કે, સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને જનજાતિ સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે.

 

પી.એમ. જનમન યોજના હેઠળ અતિ પછાત જનજાતિઓ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશના ૬૦,૦૦૦ જેટલા ગામડાઓ પી.એમ. જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ યોજનાકીય લાભ મેળવી રહ્યા છે. અમારી સરકારે અતિ પછાત જનજાતિ જિલ્લાઓની આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખ કરીને વધુ બજેટની ફાળવણીથી સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કર્યા છે તેમ પણ વડાપ્રધાન એ જણાવ્યું હતું.

 

તેમણે કહ્યું કે, વન ઉપજની સંખ્યા ૨૦ સ્થાને વધારીને ૧૦૦ કરવામાં આવી છે, ઉપરાંત વન ઉપજ પરની એમ.એસ.પી. પણ વધારી છે અને જનજાતિ વિકાસના માર્ગમાં આવતી બાધાઓ નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે.

 

જનજાતિ સમુદાયમાં જ જોવા મળતા જોખમી સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન આદર્યુ છે, ઉપરાંત જનજાતિ વિસ્તારોમાં ડિસ્પેન્સરી- દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું હેલ્થ સ્ક્રીનીંગ થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 

વડાપ્રધાન એ કહ્યું કે, જનજાતિઓના ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, પ્રાચીન ભાષાને પુન: જીવંત કરવા માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સીટીમાં ગોવિંદ ગુરુ ચેર જનજાતિ ભાષા પ્રમોશન સેન્ટરની પણ સ્થાપના કરી છે, જ્યાં ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોંકણા, કુંભી, વારલી, ઢોડિયા વગેરે જેવી તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં જનજાતિ ગાથાઓ, લોકકાવ્યો, લોકવાર્તાઓ અને પ્રાચીન ગીતોનો સંગ્રહ અને સંવર્ધન કરવામાં આવશે એમ જણાવી હજારો વર્ષોથી જનજાતિ કલા અને સંસ્કૃતિનું ગૌરવગાન થાય અને ભારતીય ચેતનાનો અભિન્ન હિસ્સો બનાવવાના સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.

 

વડાપ્રધાન એ જનજાતિ વિસ્તારોમાં ભૂતકાળની વિકટ સ્થિતિની સ્મૃતિ તાજી કરતા કહ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત થઈ છે. આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે.

 

વડાપ્રધાન એ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાનો વ્યાપ વધારી અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ બેલ્ટને વિકાસના ફળો પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને બિરદાવ્યું હતું.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ભાવવંદના કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના વીરલાઓને સન્માન આપીને ભવ્ય ઇતિહાસને પુનર્જીવિત કરીને લોકો સમક્ષ મૂક્યો અને વિકાસ ભી, વિરાસત ભી સાકાર કર્યું છે.

 

મુખ્યમંત્રી એ કહ્યુ કે, દેશેને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનારા જનજાતિઓના આરાધ્ય ભગવાન બિરસા મુંડા અને અનેક જનજાતિ વીર શહીદોનો ભવ્ય ઇતિહાસ આઝાદી પછી દાયકાઓ સુધી ઉપેક્ષિત હતો. તેમને સન્માન આપવાનું કામ વડાપ્રધાન એ કર્યુ છે. તેમણે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતી ૧૫ નવેમ્બરને દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઉભી કરી છે.

માનગઢ ક્રાંતિના સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનગઢ ક્રાંતિ સંગ્રામના લડવૈયા ગોવિંદ ગુરુ અને ભીલ બાંધવોની સ્મૃતિમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું માનગઢમાં વડાપ્રધાન ની પ્રેરણાથી નિર્માણ થયું છે. અંગ્રેજોના દમનનો ભોગ બનેલા ૧૨૦૦ જનજાતિ બંધુઓનું સ્મારક પણ સાબરકાંઠાના પાલ-દઢવાવમાં તેમણે ઉભું કરાવીને એ અમર શહીદોનો ઈતિહાસ લોકો સામે મૂક્યો છે.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન એ આવી ભવ્ય વિરાસત સાચવીને બેઠેલા જનજાતીય સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે અનેક સફળ આયામો પાર પાડ્યા છે. તેમણે જ ઉમરગામથી અંબાજી સુધીના આખાય જનજાતીય પટ્ટાના સર્વગ્રાહી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પી.એમ. જનમન માટે ૨૪ હજાર કરોડ રૂપિયા સાથેનું મિશન દેશમાં શરૂ થયું છે. ગુજરાતે વડાપ્રધાન ની દરેક યોજનાઓના અમલમાં અગ્રેસર રહેવાની મેળવેલી સિદ્ધિઓને આ પી.એમ. જન મનમાં પણ જાળવી રાખી છે. ખાસ નબળા આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ ફાળવણીમાં ગુજરાતે દેશમાં બેસ્ટ પર્ફોરમન્સ સ્ટેટનો પુરસ્કાર મેળવવાનું ગૌરવ તેમણે વ્યક્ત કર્યુ હતુ.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન એ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતમાં આ અભિયાનમાં ૨૧ જિલ્લામાં ૭૦૦થી વધુ સેવા કેમ્પ કરીને પાંચ લાખથી વધુ જનજાતિઓના લોકોને આવરી લીધા છે અને ૨૨ જેટલી વિકાસલક્ષી યોજનાઓનો લાભ ૧ લાખ ઉપરાંત જનજાતીય બંધુઓને આપ્યો હોવાનું ઉમેર્યુ હતું.

 

શિક્ષણ અને આરોગ્યની વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જનજાતીય વિસ્તારોમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી, પરંતુ આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જનજાતીય વિસ્તારોમાં ૧૨ સાયન્સ કોલેજ, બે યુનિવર્સીટીઓ અને ૧૧ મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારોના સંતાનો ડોક્ટર-એન્જિનીયર બનતા થયા છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જનજાતિ સમુદાયોની આરોગ્ય સુખાકારી વધુ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાત જીનોમ સિક્વન્સીંગ પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

 

ધરતી આબા ભગવાન બિરસા મુંડા અને જનજાતીય સમાજના યોગદાનને લોકો સુધી પહોંચાડવા રાજ્યમાં 7થી 13 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ રથયાત્રાના આયોજનની સફળતા પણ મુખ્યમંત્રીશ્રીએ વર્ણવી હતી.

 

વડાપ્રધાનએ બિરસા મુંડાના વંશજ શ્રી બુધરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

 

જનજાતિ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાકીય સહાયથી જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનના અનુભવો વડાપ્રધાન સમક્ષ વર્ણવ્યા હતા.

 

આ વેળાએ વડાપ્રધાનએ ગુજરાત એસટીની ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

વડાપ્રધાન એ મંચ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. વડાપ્રધાનનું જનજાતિ સમુદાયના પ્રતિક સમાન કોટી, કડું અને ગમછો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જનજાતિ વિકાસને રજૂ કરતી શોર્ટ વિડીયો ફિલ્મ નિહાળી હતી.

 

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમતગમત, ઉદ્યોગ, યુવક સેવા પ્રવૃત્તિ રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીત, પ્રદેશ સંગઠન અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન, જનજાતિ વિભાગના નિયામક આશિષ કુમાર, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિ

કારીઓ, મોટી સંખ્યામાં જનજાતિ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!