ફરી એક દેશમાં Gen Z હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા

દેશ મેક્સિકોમાં પણ Gen Z આંદોલન શરૂ થઈ ગયા છે. શનિવારે હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો દેશના વધી રહેલા ભ્રષ્ટાચાર તથા કાયદો વ્યવસ્થાની લથડતી સ્થિતિ વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. આંદોલનકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, લાઠી દંડાથી હુમલા પણ કર્યા.
બીજી તરફ મેક્સિકોના વિપક્ષ તરફથી આ આંદોલનને ભરપૂર સમર્થન આપવામાં આવી રહ્યું છે. શનિવારે થયેલા આંદોલનમાં 100 પોલીસ જવાન સહિત 120 લોકો ઈજાગ્રસ્ત થયા. 20ની ધરપકડ કરવામાં આવ્યા. સમુદ્રી ડાકુઓની ખોપરી દર્શાવતું ધ્વજ આ આંદોલનનું પ્રતિક બની ગયું છે. ઠેર ઠેર યુવાનો આ ઝંડો લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.
મેક્સિકોમાં હાઈ પ્રોફાઈલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે. હાલમાં જ મિચોઆકન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા કરવામાં આવી હતી. જે બાદ દેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પણ આંદોલન કરવામાં આવી રહ્યું છે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામનો આરોપ છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ભીડને ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે અગાઉ નેપાળમાં પણ આ જ પ્રકારે યુવાનોનું હિંસક આંદોલન થયું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ અચાનક જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં હિંસામાં અનેક લોકોના મોત થયા હતા. આખરે વડાપ્રધાને રાજીનામું આપી જીવ બચાવીને ભગવું પડ્યું હતું. નેપાળના અનેક નેતાઓ તથા મંત્રીઓ પણ હિંસાનો શિકાર થયા હતા. આટલું જ નહીં નેતાઓના ઘર સહિત નેપાળની સંસદ અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. તે પછી મોરોક્કો, મેડાગાસ્કર, પેરૂ અને કેન્યામાં પણ આ જ પ્રકારના આંદોલન થયા હતા.







