
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત રાજ્યએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને બુથ લેવલ ઓફિસર (BLO) અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરાઈ. મતદાર યાદીની Special Intensive Revision (SIR) હેઠળ 04 નવેમ્બર 2025 થી 04 ડિસેમ્બર 2025 દરમિયાન શિક્ષકોને શાળાકીય ફરજોની સાથે કઠિન અને સમય સાપેક્ષ કામગીરી કરવી પડી રહી છે. અનેક સ્થળોએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ, ધાકધમકી તથા ધરપકડ વોરંટ જેવી કાર્યવાહી થતાં રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્ત થયો છે.
શૈક્ષિક મહાસંઘે જણાવ્યુ છે કે- “શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે, છતાં વોરંટ જેવી દમનકારી પદ્ધતિ અમલમાં હોય તો તે શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. શિક્ષકોને કામગીરી વચ્ચે અનેક પરિબળો સમયસર લક્ષ્યાંક પૂર્ણ થવામાં અડચણરૂપ હોય છે, છતાં તંત્રની પોલીસી શિક્ષકોને અપમાનિત કરે છે.”
મહાસંઘે મુખ્ય મુદ્દાઓ રૂપે નીચેની માગણીઓ સરકાર સમક્ષ રજુ કરી છે, જેમા BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે ધરપકડ વોરંટની પ્રથા તાત્કાલિક રદ કરવી, કેન્દ્રિય ચૂંટણી આયોગના આદેશ મુજબ અન્ય 12 કેડરના કર્મચારીઓમાંથી પણ સમાન BLO ફરજ ફાળવણીનો અમલ કરવો, આગામી સમયમાં શિક્ષકોને બદલામાં અલગ BLO કેડર રચવું, અધિકારીઓ દ્વારા શિક્ષકોને અપમાનજનક વર્તન કે ધમકાવણી ન થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવી, યોગ્ય કારણસર મીટિંગ/કાર્યમાં હાજર ન રહી શકાય તો માનવતાપૂર્વક સમજૂતી મેળવવી, SIR ઓનલાઈન એન્ટ્રી માટે જરૂરી સંસાધનો આપ્યા વિના શિક્ષકોને ઓનલાઇન કામગીરી માટે મજબૂર ન કરવું, શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં જકડી ન રાખી શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમના સમયનો યોગ્ય ઉપયોગ કરવો, 70% થી વધુ માતૃશક્તિ BLO તરીકે ફરજ બજાવે છે તેમની સુરક્ષા અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોબાઈલ નંબર આપવાની ફરજિયાતતા દૂર કરવી, મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્રનિર્માણની મુખ્ય કડી છે, તેથી તેમના સન્માન અને કાર્યપરિસ્થિતિનું સંરક્ષણ સરકારની મુખ્ય જવાબદારી છે.
આ આવેદન પ્રાંત તેમજ ચૂંટણી અધિકારી- કચ્છના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સુધી પહોંચાડવામાં આવ્યુ છે અને શિક્ષકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ થાય એવી અપેક્ષા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી. આ તકે પ્રાંત ઉપાધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કચ્છ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ, મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, એચ.ટાટ સંવર્ગ રાજય મંત્રી અમરાભાઈ રબારી, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ રમેશભાઈ વણકર, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ મનુભા સોઢા, પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર, અન્ય BLO તેમજ સુપરવાઇઝર સહિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહેલ હતા.







