GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના કાંકણપુર ખાતે “જન જાતિ ગૌરવ દિવસ”ની ઉજવણી કરી 

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, કાંકણપુર કોલેજ અને ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

 

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં, કાંકણપુર બી.એડ. કોલેજના મલ્ટી પર્પજ હોલ ખાતે “જન જાતિ ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના ટ્રાયબલ ચેર, કાકણપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલેન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ.હરિભાઈ કાતરીયાએ જણાવ્યું કે, આદિવાસી જનજાતિઓએ આઝાદીના સમયમાં જંગલોમાં રહીને દેશનું રક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બિરસા મુંડા, ગોવિંદ ગુરુ, તાત્યા ટોપે જેવા અનેક જનજાતિ નાયકોના આદર્શો, પરિશ્રમ, ઈમાનદારી, સમૂહ ભાવના અને વ્યસન મુક્તિ જેવા મૂલ્યો જીવનમાં ઉતારવા માટે આહવાન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન પલ્લવભાઈ દેસાઈએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવન અને તેમના સમાજલક્ષી કાર્યો પર વ્યાખ્યાન આપ્યું હતું. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના સી.ઈ.ઓ. તપનભાઈ પટેલે વિદ્યાર્થીઓને મોબાઈલ અને વ્યસનથી દૂર રહી કારકિર્દી ઘડવા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાયબલ ચેરના કોર્ડીનેટર ડો. મહેશભાઈ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશભાઈ રાઠવાએ તથા આભારવિધિ દૃષ્ટિબેન ગઢવીએ કરી હતી. અંતમાં, કુલપતિએ એમ.જી. હાઇસ્કુલ ખાતે યોજાયેલ ભગવાન બિરસા મુંડા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

Back to top button
error: Content is protected !!