
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*આહવા ફુવારા સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું :*
લોહપુરુષ અને રાષ્ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે સમગ્ર દેશમાં મનાઈ રહેલી સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો એ સરદાર સન્માન યાત્રાની શરૂઆત પહેલાં આહવા ફુવારા સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી પ્રતિમાને ફુલહાર ચઢાવી-ફૂલો અર્પણ કર્યા હતાં.
આ યાત્રા આહવાના ફુવારા સર્કલ થી શરૂ થઈ લશ્કર્યા સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ એકતા પદયાત્રાને પદયાત્રામાં રમત ગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર કે. એસ. વસાવા, જિલ્લા પોલીસવડા પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ, ઉત્તર નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા, પ્રાંત અધિકારી કાજલ આબલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ડાંગ જિલ્લાની આ અદભુત પદયાત્રામાં સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, ક્લાકારો, માય ભારતના સ્વયંસેવકો, યોગ બોર્ડના સભ્યો, શાળાનાં વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ અને ફાયર ફાઇટરો અને NCC કેડેટ્સ, યુવાનો, આહવા સહિત ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લાની કચેરીઓના કર્મચારીઓ સહિત યુવા સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો મળી અંદાજિત બે હજાર થી વધુ પદયાત્રીઓ સહભાગી થયાં હતા. સૌએ સરદાર સાહેબનાં જીવનમૂલ્યો—રાષ્ટ્રભક્તિ, અખંડ ભારતનું સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતા—ને દરેક સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને જોડીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને એક ભારત, શ્રેષ્ઠ ભારતથી સાકાર કર્યો છે. વડા પ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ બનાવી સરદારના વિચારો સાર્થક કર્યા છે. મંત્રીશ્રી સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર, સાહસ, મક્ક્મતા અને દેશભક્તિથી પ્રેરણા લઇ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાન દ્વારા અખંડ ભારતનો પાયો વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સાંસદ ધવલભાઈ પટેલે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર પટેલને સાચી અંજલિ અર્પી હોવાનું જણાવ્યું હતું. વઘુમાં શ્રી પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેવાની છે. તેમ જણાવી તા.૨૬ નવેમ્બર પછી કેવડીયા સુધી યોજનાર પદયાત્રામાં યુવાનોને જોડાવા અપીલ કરી હતી.આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર અને વિરાટ વ્યક્તિત્વને યાદ કરીને તેઓ દ્વારા કરવામાં આવેલા અખંડ ભારતના નિર્માણનું સ્મરણ કર્યું હતું. સાથે જ સરદાર સાહેબની જેમ દેશની એકતા જાળવવા પોતાને સમર્પિત કરવા તથા આપણા ગૌરવંતા ઇતિહાસને હંમેશા યાદ રાખી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા શપથ ગ્રહણ કરી હતી. આ સાથે જિલ્લાની વિવિધ શાળામાં યોજાયેલ સ્પર્ધાઓમા વિજેતા બનેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર પદયાત્રાનાનું આયોજન ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ડાંગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ દ્વારા લશ્કર્યાં ખાતે સૌ પદયાત્રીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. નોંધનિય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ ના રોજ ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૨૫ માં તેમની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સરદાર સાહેબના અપરંપાર રાષ્ટ્રસેવાને સન્માન આપવા ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન બે વર્ષીય રાષ્ટ્રીય સ્તરે ઉજવણી યોજાઈ રહી છે. દર વર્ષે ૩૧ ઑક્ટોબરે તેમની જન્મજયંતિ નિમિત્તે *’રાષ્ટ્રીય એકતા દિવસ’*ની ઉજવણી થાય છે. દેશભરમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’, ચર્ચાસત્રો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.






