
તા.૧૭.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ
એસ.ટી. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે તમામ સરકારી કચેરીઓમાં ખાસ કરીને સ્વચ્છતા જળવાય તે ખુબ જ જરૂરી છે.-પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિકાસના મંજુર થયેલ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરતા પ્રભારી મંત્રી દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રભારી મંત્રીએ દાહોદ જિલ્લાના તેમજ આદિજાતી લોકોના વિકાસ માટેના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાહોદમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષની જરૂર છે. જેમાં આદીજાતિઓમાં રહેલું કુપોષણ, માતા-બાળકના થતા મૃત્યુ દરને ઘટાડવા જરૂરી છે. વેક્સીનેશનની કામગીરી તેમજ સાથે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે. હ્યુમન ઇન્ડેક્ષને લગતા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને દર મહીને મીટીંગ કરીને એનો રીપોર્ટ રજુ કરવાનો રહેશે. આ સાથે એમણે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળના કામો હેઠળ હજી પણ ઘણો સુધારો લાવી શકાય એમ કહ્યું હતું. દાહોદમાં ટુરીઝમ ક્ષેત્રે વિકાસ થાય, સ્થાનિક રોજગારી, આદિજાતિ હાટ, રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતાને લઈને ગંભીરતાથી કામ કરવું, જેમાં એસ.ટી. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે તમામ સરકારી કચેરીઓમાં ખાસ કરીને સ્વચ્છતા જળવાય તે ખુબ જ જરૂરી છે. વિકાસના મંજુર થયેલ કામોમાં વિલંબ ન કરતાં સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સુચના આપી.આ દરમ્યાન ઉપસ્થિત પદાધિકારીઓએ એમ.પી.-એમ.એલ.એ. ના આયોજન અંગેના પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેનું નીતિ-નિયમોને ધ્યાને રાખીને નિરાકરણ લાવવા તેમજ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. આ નિમિતે કલેકટર યોગેશ નિરગુડેએ પ્રભારી મંત્રીને દાહોદ જિલ્લા વિશે માહિતી આપી હતી.આ બેઠક દરમ્યાન મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેકટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, સર્વે ધારાસભ્યઓ , પદાધિકારીઓ તેમજ નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





