NATIONAL

PM મોદી સહિતના અનેક રાજકીય નેતાઓએ દિવંગત ડૉ.મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર ડૉ. મનમોહન સિંહનું આજે ગુરૂવારે તબિયત લથડ્યા બાદ 92 વર્ષની ઉંમરે નિધન થયું. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિવંગત મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજી એવા દુર્લભ રાજકારણીઓમાંના એક હતા. જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સરળતા બનાવી રાખી હતી. જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા, તેમના નિષ્કલંક રાજકીય જીવન અને તેમની અત્યંત નમ્રતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું નિધન આપણા બધા માટે મોટી ખોટ છે. હું ભારતના મહાન પુત્રોમાંના એકને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરું છું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘મનમોહન સિંહજીએ સમજદારીપૂર્વક અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્ત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં આજે મારા શિક્ષક અને માર્ગદર્શક ગુમાવ્યા. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.’

ડૉ. મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને વિપક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે (28મી ડિસેમ્બર) કરવામાં આવશે.

ડૉ. મનમોહન સિંહની પુત્રી આજે રાત્રે અમેરિકાથી પરત ફરશે. તેથી આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. શનિવારે સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસ મુખ્યાલયમાં રાખવામાં આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ મુખ્યાલયથી જ શરુ થશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ કરાશે. કોંગ્રેસ અટલ બિહારી વાજપેયીની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે જગ્યાની માંગ કરશે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. હાલ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!