
“વિશ્વ સંભારણા દિવસ” નિમિત્તે લુણાવાડા ખાતે શ્રદ્ધાંજલિ અને માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર 
નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવાતા વિશ્વ સંભારણા દિવસ (World Day of Remembrance for Road Traffic Victims) નિમિત્તે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને મહીસાગર એઆરટીઓ દ્વારા સંયુક્ત રીતે લુણાવાડા એસ.ટી.બસ સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા અને માર્ગ સલામતી પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉપસ્થિત સૌને માર્ગ સલામતીના નિયમો અને અકસ્માતો અટકાવવાના ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ‘”હિટ એન્ડ રન સ્કીમ-૨૦૨૨'” અને માર્ગ અકસ્માતમાં મદદરૂપ થનાર સેવાભાવી વ્યક્તિને કાયદાકીય રક્ષણ આપતી જોગવાઈઓની સમજણ આપી જાગૃતિ ફેલાવી હતી.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ એસ.પી. કમલેશ વસાવા, લુણાવાડા ટાઉન પી.આઈ. જે.એસ. વળવી, આર.ટી.ઓ. અધિકારી એમ.એમ. પટેલ, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ શક્તિસિંહ ઝાલા, પોલીસ જવાનો, આર.ટી.ઓ. કર્મચારીઓ અને ૧૦૮ના કર્મીઓ સહિત નાગરિકોએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોને યાદ કરીને ૨ મિનિટનું મૌન પાળી, કેન્ડલ પ્રગટાવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે અકસ્માત બન્યાના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી તેમનો જીવ બચાવીને ઉમદા સેવા કરનાર ‘રાહવીર” નરેશભાઈ ડામોર નાઓ નુરાહવીર તરીકે મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સમાપનમાં ઉપસ્થિત સૌ લોકોએ રોડ સેફ્ટીના શપથ લીધા હતા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો સંકલ્પ કરેલ હતો.
ઉલ્લેખનીય છે કે,”વિશ્વ સંભારણા દિવસ” સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા સ્વીકૃત એક વૈશ્વિક દિવસ છે, જેને ૨૬ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ યુ.એન.જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો.





