Jasdan: જસદણમાં તાજા જન્મેલા નવજાત શિશુની મદદે આવતા રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર અને 108ની ટીમ

તા.૧૮/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ઘેલા સોમનાથ પાસેના વિસ્તારમાંથી મળી આવેલા અજાણ્યા બાળકને ત્વરિત સારવાર થકી નવજીવન આપવાના માનવતાસભર કાર્યમાં રાજકોટ જિલ્લા આરો્ગય વિભાગ અને ૧૦૮ નિમિત્ત બન્યા છે.
ગતરોજ તા. 17 ની રાત્રે 11:31 કલાકે ઘેલા સોમનાથ 108 એમ્બ્યુલન્સને જસદણ વિસ્તારનો ઈમર્જન્સી કેસ મળ્યો હતો. જસદણના ગંગાભુવન ખાતે ભૂતડા દાદાના મંદિરની પાછળ કાટાની વાડ પાસે નવજાત બાળક મળી આવ્યું હતું.
પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યામાં બે કલાકથી બાળક રડતું હોય તેનો અવાજ આવી રહ્યો હતા. થોડીવાર માટે આ વિસ્તારના લોકો ડરી ગયા હતા કે આવી ઠંડીમાં બાળકનો રોવાનો અવાજ અવાવરૂ જગ્યાએ કેવી રીતે આવી શકે. વિસ્તારના લોકોએ ભેગા થઈને અવાવરૂ જગ્યાઓ ચેક કરતા જ તાજું જન્મેલું બાળક કાંટામાં પડ્યું હતું અને રડી રહ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી.
હર હંમેશ સચેત અને સજાગ એવી 108ની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપતા EMT શ્રી ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાઈલટ શ્રી મનસુખભાઈ મેણીયા ગણતરીની મિનિટોમાં જસદણ ખાતે પહોંચી ગયા હતા. બાળકને કાંટામાંથી બહાર કાઢ્યું. બાળકની તપાસ કરતાં જણાયું કે બાળકનો જન્મ અધૂરા મહિને થયો હતો. EMT ઈન્દ્રજીતભાઈ ડાંગરે બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ઓક્સિજન સપોર્ટ પુરો પાડીને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું હતું.
જસદણ સરકારી હોસ્પિટલમાં ડો. નિખિલે વધુ તપાસ કરી અને બાળકની સ્થિતિને ધ્યાને લેવા તેને આગળની ઉત્તમ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને ડો. યશવીને સત્તાવાર રીતે હેન્ડઓવર કરવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતી સુધારા ઉપર છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન ઘેલા સોમનાથ 108 એમ્બ્યુલન્સ ટીમ—EMT શ્રી ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાઈલટ શ્રી મનસુખભાઈ મેણીયાએ ત્વરિત પ્રતિસાદ અને માનવતા દર્શાવી અગત્યની સેવા બજાવી હતી.




