NATIONAL

દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે. સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી !!!

સુપ્રીમ કોર્ટે મંગળવાર(18મી નવેમ્બર)ના રોજ એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ ગુમ થયેલા બાળકોના આંકડા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં સમાચારોમાં વાંચ્યું હતું કે ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે. મને ખબર નથી કે આ સાચું છે કે નહીં. પરંતુ તે એક ગંભીર મુદ્દો છે.’

તેમણે ટિપ્પણી કરી હતી કે, ‘બાળક દત્તક લેવાની પ્રક્રિયા જટિલ હોવાથી, તેનું ઉલ્લંઘન થવું સ્વાભાવિક છે અને લોકો બાળકો મેળવવા માટે ગેરકાયદે માર્ગોનો આશરો લે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ.’

અગાઉ 14મી ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુમ થયેલા બાળકોના કેસ સંભાળવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા અને તેમની વિગતો મિશન વાત્સલ્ય પોર્ટલ પર અપડેટ કરવા નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નોડલ અધિકારીની નિમણૂક માટે છ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે છ અઠવાડિયાનો સમય આપવાનો ઇન્કાર  કરીને કેન્દ્રને આ પ્રક્રિયા નવમી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

‘ગુરિયા સ્વયંસેવક સંસ્થાન’ નામની NGOએ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. NGOએ અપહરણ કરાયેલા અથવા ગુમ થયેલા બાળકોના વણઉકેલાયેલા કેસ અને લોસ્ટ/ફાઉન્ડ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે લેવાયેલી કાર્યવાહી પર પ્રકાશ પાડ્યો. અરજીમાં ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા પાંચ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં સગીર બાળકોનું અપહરણ કરીને વચેટિયાઓના નેટવર્ક દ્વારા ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તસ્કરી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી ગુમ થયેલા બાળકોના કેસોના ઝડપી નિરાકરણ અને બાળ દત્તક પ્રક્રિયામાં સુધારો લાવવાની આશા જાગી છે.

Back to top button
error: Content is protected !!