GUJARATNAVSARI

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આજે વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે ખાતે ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના ગામના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.

જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલે મહેમાનોનું સ્વાગત કરી ઉપસ્થિત લોકોને આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ આડઅસર વગરની આયુર્વેદ ઉપચાર પદ્ધતિને અપનાવવા અને વાત, પિત્ત અને કફ જેવા ત્રિદોષોને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો.

આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું. આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા,  જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ, વાંસદા પ્રાંત અધિકારી ડી આઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્રભાઈ પરમાર, વૈદ્ય ચિરાગભાઈ ડોબરીયા, પીઆઇ એન એમ આહીર, વાંસદા ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ, હનુમાનબારી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!