
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા,ટ્રાયબલ બજેટ બહારના NGO, કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ હજમ કરી જાય છે
તાહિર મેમણ – ડેડીયાપાડા – 19/11/2025 – નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેહગામ ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત જનસભા યોજાઈ હતી. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રીજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના રામ ધડુક, નવસારી જિલ્લાના અધ્યક્ષ પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. સભા બાદ AAP નેતા ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારી આ સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો પર ચર્ચા કરવાનો હતો. આજે ખેડૂતો સાથે જે અન્યાય થાય છે, એક તરફ સરકાર MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે. સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે. ખેડૂતો અને અમારા અધ્યક્ષ પંકજ પટેલ બધા ભેગા થઈને આ આંદોલન કરી રહ્યા છે છતાં રજિસ્ટ્રાર અને પ્રાંત અધિકારીના પેટનું પાણી પણ હતું નથી. સાથે સાથે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઇડીસી છે છતાં પણ સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારથી આવેલા લોકો બે વર્ષમાં કાયમી થઈ જાય છે. આ વિસ્તાર ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે છતાં પણ સ્થાનિક લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી મળતી. એવી જ રીતે શિક્ષકોનો અભાવ, શિક્ષણને લગતા, સિંચાઈ, રોડ રસ્તાને લગતા પ્રશ્નોની આજની અમારી સભામાં ચર્ચા થઈ હતી.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ તમામ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરશે. આ પ્રશ્નને લઈને જો રસ્તાઓ ઉપર ઉતરવું પડશે તો તે પણ આમ આદમી પાર્ટી કરશે અને સદન સુધી જવું પડશે તો સદન સુધી જઈને પણ પ્રશ્નો ઉઠાવશે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થાય અને મજબૂતાઈથી લડીને સારા લોકો તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને સત્તામાં આવે એ દિશામાં પ્રયાસ કરી રહી છે. નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જનતા આમ આદમી પાર્ટીને સહકાર અને તક આપશે અને પરિવર્તન લાવશે.
AAP નેતા ચૈતર વસાવાએ ધવલ પટેલે કરેલા આક્ષેપ પર જવાબ આપતા કહ્યું હતું કે, લોકસભાના સાંસદ ધવલ પટેલે બે દિવસ પહેલા કહ્યું હતું કે “ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે.” પરંતુ ડેડીયાપાડામાં વડાપ્રધાનની સભામાં 500 કરોડનો આદિજાતિ માટે ખર્ચો થયો પરંતુ પબ્લિક ભેગી થઈ નહીં તેની આ ભાઈને તકલીફ પડી છે. અમે લોકોને ગુમરાહ કરતા હોત તો નેત્રંગ ખાતે સ્વયંભૂ લાખો લોકોની ભીડ ભેગી થઈ હોત નહીં. એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એ બોલે નહીં તો પાર્ટી એમને બીજી વખત ટિકિટ આપે નહીં અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારી જેમ પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો વડાપ્રધાનના ચહેરાથી અને કમળની છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે ઉચ્ચ અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી ત્યારે કેમ બોલતા નથી ? 30 વર્ષથી એમનું શાસન છે છતાં પણ અનુસૂચિ પાંચ લાગુ નથી, પેસા એક્ટ લાગુ નથી, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પણ પેન્ડિંગ છે. વલસાડ, ડાંગ તમામ આદિવાસી જિલ્લાઓમાં ટ્રાયબલ બજેટ બહારના NGO, કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ હજમ કરી જાય છે. મનરેગામાં પણ ખૂબ જ કૌભાંડ થાય છે ત્યારે કેમ બોલતા નથી? આ લોકો માત્ર રાજનીતિ કરવાવાળા વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે એટલે હવે એમનું કશું જ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પુરા ટ્રાયબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવાની છે અને સત્તા બનાવવાની છે.




