
ઝઘડિયા જીઆઇડીસીમાં એકસાથે આઠ ગાયોના મોત થતાં પંથકમાં ચકચાર


જીઆઇડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ
ઝઘડિયા જીઆઇડીસી એસોસિયેશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવવું જોઇએ
ઝઘડિયા તા.૨૦ નવેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.આવું પ્રદુષિત પાણી વરસાદી કાંસોમાં થઇને ખાડીઓ અને નર્મદામાં જતું હોઇ ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદુષિત થાય છેજ ,અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન થાય છે,તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે.ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઇ ધરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી,તે મુજબ જીઆઇડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ ૮ ગાયોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમુના લેવાયા હતા. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ જીઆઇડીસીમાં ચૌદ જેટલી ગાયોના મોત થયા હતા. જીઆઇડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઇડીસી એસોસિએશન કાર્યરત છે,ત્યારે જીઆઇડીસીમાં એકસાથે આઠ ગાયોના મોત થાય ત્યારે જીઆઇડીસી એસોસિએશને પણ યોગ્ય ભુમિકા અપનાવવા આગળ આવવું જોઇએ,તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલા લેવાય તે માટે આગળ આવવું જોઇએ.




