નવસારી જિલ્લાના દિપલા અને ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી-કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા જલાલપોર તાલુકાના દિપલા તથા ગણદેવી તાલુકાના ભાઠા ગામે દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઇ હતી.
પોલીસ ઇન્સ્પેકટર યુ.જે.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.જે.ગામીત દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ ડ્રગ્સ પેકેટ્સ, બેગ, તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલીક જાણ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા સહિત દરિયાકિનારાના રહેવાસી તરીકે સતત જાગૃત રહેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.




