મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવો–બેટી પઢાવો અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૧: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા બેટી બચાવો – બેટી પઢાવો યોજનાને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિવિધ શાળાઓમં કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીનીઓને બાળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પોક્સો એક્ટ, સારો સ્પર્શ–ખરાબ સ્પર્શ, સાયબર સેફ્ટી અને ડિજિટલ સુરક્ષા જેવા મુદ્દાઓનો સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી અને સુરક્ષાલક્ષી યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કો-ઓર્ડિનેટર અસ્મિતા ગાંધીએ સમાજના દુષણો, બાળકો અને મહિલાઓ સામે વધતા ગુનાઓ અંગે જાગૃતિ રાખવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પોક્સો અધિનિયમ દ્વારા મળતા કાનૂની રક્ષણ તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની તાત્કાલિક સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સાથે OSC કેન્દ્રની સંચાલિકા હર્ષિદાબેન પટેલે પીડિત મહિલાઓને OSC દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયકારક સેવાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે જેન્ડર સ્પેશ્યાલિસ્ટ શ્રી જયેશભાઈ થોરાટ અને શ્રી સંજય પટેલે સરકારશ્રીની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સહાયકાર્ય અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી.
કાર્યક્રમના અંતે શાળામાં ઉત્તમ પ્રદર્શન કરનાર દિકરીઓને પ્રોત્સાહનરૂપે બેટી બચાવો – બેટી પઢાવો લોગો ધરાવતા મગ ભેટ આપવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા મહિલા અને બાળ સુરક્ષા, સશક્તિકરણ તથા જાગૃતિનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.




