
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
કન્યા ફ્રી પાસ યોજનામાં અનાવશ્યક દસ્તાવેજી વાંધા : વિદ્યાર્થીનીઓમાં નારાજગી, સરકારની છબીને નુકસાનની શક્યતા
મુંદરા,તા.21 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ કન્યાઓને મફત એસ.ટી. બસ મુસાફરીની યોજના અમલમાં રાખવામાં આવી છે જેનો મુખ્ય હેતુ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન, સુરક્ષિત સંચાલન અને પરિવારોનો ભાર ઘટાડવાનો છે. પ્રધાનમંત્રીશ્રી અને રાજ્ય સરકાર કન્યા કેળવણીને સૌથી મહત્વનું સ્થાન આપી રહ્યાં છે. તેમ છતાં તાજેતરમાં અનેક વિસ્તારોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિદ્યાર્થીઓને વધારાના અને અનાવશ્યક દસ્તાવેજો માંગવામાં આવી રહ્યાં છે, જેને કારણે કન્યાઓમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે.
યોજનામાં સ્પષ્ટ રીતે આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીનીનો ફોટો સાથેનો સહી-સિક્કાવાળો પ્રમાણિત અરજીપત્ર પૂરતું માન્ય પ્રમાણપત્ર ગણાય છે. તેમ છતાં કેટલાક ડિપોમાં તલાટી/સરપંચ દ્વારા ફોટાવાળો પ્રમાણિત દાખલો વધારામાં માંગવામાં આવે છે. આ પ્રયોગ માત્ર અકલ્પ્ય જ નહીં પણ વિદ્યાર્થીનીઓ પર અનાવશ્યક દબાણ ઉભું કરે છે.
ઘણા ગામોમાં સીધી બસ સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે GSRTC દ્વારા આટલી કડક અને અસમંજસ દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવે તે યોગ્ય કહી શકાય નહીં. સરકાર દ્વારા આપવામાં આવેલ ઉત્તમ સગવડ હોવા છતાં વિદ્યાર્થીનીઓએ ખોટું સરનામું લખાવ્યું છે કે ખોટી અરજી કરી છે તેવી ગ્લાનિ અનુભવવી પડે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
આચાર્ય દ્વારા સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવેલ ફોટાવાળી અરજી પૂરતી હોવી જોઈએ—આ બાબત નીતિની ભાવના અને શૈક્ષણિક વ્યવસ્થાની પ્રામાણિકતા બંનેને અનુરૂપ છે. વધારાના સ્થાનિક પ્રમાણપત્રની માંગ યોજનાના હેતુને ભંગ કરે છે વિદ્યાર્થીનીયોને પરેશાન કરે છે અને તંત્ર પ્રત્યે અસંતોષ ફેલાવે છે.
અંતે લોકમાંગ છે કે GSRTC તાત્કાલિક આ અનાવશ્યક વાંધા બંધ કરે અને માત્ર ફોટા સાથેની આચાર્યની પ્રમાણિત અરજીને માન્ય રાખી કન્યા ફ્રી પાસ તાત્કાલિક સરળતાથી જારી કરવામાં આવે.
આ દ્વારા વિદ્યાર્થીનીઓને સહુલિયત મળશે કન્યા કેળવણીને વાસ્તવિક પ્રોત્સાહન મળશે અને સરકારની લોકકલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




