
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળાની શરૂઆતનાં પગરણ થઈ ચૂક્યા છે.વાતાવરણમાં વધતી ઠંડક અને કુદરતી સૌંદર્યનાં અદ્ભુત સમન્વયને કારણે અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ અને સાહસિક પ્રવૃત્તિઓનાં શોખીનો માટે સાપુતારા હાલમાં ડબલ ધમાકા જેવો અનુભવ આપી રહ્યું છે.સાપુતારામાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઠંડા પવનોને કારણે સમગ્ર વિસ્તાર ધુમ્મસની ચાદર ઓઢી લે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે. ગિરિમથકની લીલીછમ વનરાજી, ડુંગરાઓ અને શાંત સરોવરનું સૌંદર્ય આ ઠંડા વાતાવરણમાં અનેકગણું વધી જાય છે.પ્રવાસીઓ ખાસ કરીને અહીંનાં મુખ્ય પોઇન્ટ્સ જેવા કે સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ ની મુલાકાત લઈ રહ્યા છે.સનરાઇઝ પોઇન્ટ પર સૂર્યોદયનું દ્રશ્ય નિહાળવું એ પ્રવાસીઓ માટે એક યાદગાર ક્ષણ બની રહે છે. કુદરતી સૌંદર્ય ઉપરાંત, સાપુતારા હાલમાં વિવિધ સાહસિક અને મનોરંજન એક્ટિવિટીઝનું પણ કેન્દ્ર બન્યું છે. સાપુતારા લેકમાં બોટિંગનો આનંદ લેવો એ પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. શાંત પાણીમાં ડુંગરાઓનાં પ્રતિબિંબ વચ્ચેની બોટિંગ મનને શાંતિ આપે છે.સાહસનાં શોખીન લોકો માટે પેરાગ્લાઇડિંગની સુવિધા શરૂ થતાં આકાશમાંથી સાપુતારાનું વિહંગમ દ્રશ્ય જોવાનો અનોખો મોકો મળી રહ્યો છે.શિયાળાનાં ખુશનુમા વાતાવરણમાં આસપાસનાં જંગલો અને ડુંગરાઓમાં ટ્રેકિંગ અને હાઇકિંગનો આનંદ લેતા યુવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.સાપુતારામાં સાંજના સમયે વાતાવરણ વધુ રમણીય અને રોમેન્ટિક બની જાય છે. જેમ જેમ સૂર્ય આથમે છે, તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, અને પ્રવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચે છે. ઠંડીથી બચવા માટે પ્રવાસીઓ ખાસ કરીને ગરમાગરમ ચા, કોફી, મકાઈનાં ભુટ્ટા (ડોડા) અને સ્વાદિષ્ટ ભજીયા-પકોડાની લારીઓ પર ઉમટી પડે છે. ઘણા પ્રવાસીઓ પોતાની હોટેલો કે રિસોર્ટ પર કેમ્પ ફાયરની આસપાસ બેસીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. અહીં ધીમું સંગીત અને મિત્રો-પરિવાર સાથેની વાતોથી એક અનોખો માહોલ સર્જાય છે.સરોવર પાસેનાં વોક-વે પર લોકો સાંજના સમયે ઠંડા પવનની મજા માણતા ધીમે ધીમે સ્ટ્રોલ કરી રહ્યા છે, અને આ સુંદર દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે..





