ગોધરામાં ગોઝારી ઘટના: પુત્રની સગાઈના દિવસે જ ઘરમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના મોત
ફાયર વિભાગે દરવાજા તોડીને તમામને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા, પણ જીવ બચાવી ન શકાયા.

પ્રતિનિધિ,ગોધરા તા.23
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરાના બામરોલી રોડ પર આવેલા વૃંદાવન નગર-2 માં શુક્રવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. અહીં રહેતા અને વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોષીના મકાનમાં આગ લાગતા ધુમાડામાં ગૂંગળાઈ જવાથી દંપતી અને તેમના બે યુવાન પુત્રો સહિત કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રિના સમયે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હતી. મકાન ચારે તરફથી કાચથી પેક હોવાને કારણે આગનો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો અને ઘરમાં જ ફેલાઈ ગયો હતો. નિદ્રાધીન પરિવારને જાગવાની તક મળી ન હતી અને શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું હતું.
આ ઘટનાની કરુણતા એ છે કે પરિવારના મોટા પુત્ર દેવની સગાઈ હતી. આખો પરિવાર સવારે સગાઈ માટે વાપી જવા નીકળવાનો હતો. તે પહેલાં જ આ દુર્ઘટના સર્જાતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. એકસાથે ચાર અર્થીઓ ઉઠતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે દરવાજા તોડીને તમામને બહાર કાઢ્યા હતા અને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તબીબોએ ચારેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોના નામ:
૧. કમલભાઈ દોષી (ઉ.વ. ૫૦)
૨. દેવલબેન દોષી (ઉ.વ. ૪૫)
૩. દેવ કમલભાઈ દોષી (ઉ.વ. ૨૪)
૪. રાજ કમલભાઈ દોષી (ઉ.વ. ૨૨)






