
ઝઘડિયાના સેલોદ ગામે ઉપસરપંચ સાથે ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપનાર ઇસમ સામે ફરિયાદ
વીજળીનો પડી ગયેલ થાંભલો લેવા ગયા ત્યારે થાંભલો કેમ લઇ જાવ છો એમ કહી ઝઘડો કર્યો
ઝઘડિયા તા.૨૩ નવેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે ઉપસરપંચ સાથે ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપનાર ઇસમ સામે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે અલ્પેશભાઇ હરિભાઇ પટેલ ઉપસરપંચ તરીકે ફરજ બજાવે છે.સેલોદ ગામે મંદિર ફળિયામાં વિજયભાઇ વસાવાના ઘર નજીક એક લોખંડનો વીજળીનો થાંભલો નીચે પડી ગયો હતો,જેથી અલ્પેશભાઇ નીચે પડેલ થાંભલો પંચાયત ઓફિસ ખાતે લાવવા ગામના ધર્મેશભાઇ પટેલ સાથે સ્થળ ઉપર ગયા હતા,ત્યારે તે દરમિયાન વિજયભાઇ વસાવાએ આ થાંભલો કેમ લઇ જાવ છો,એમ કહીને તેમની સાથે ઝઘડો કરી ગળુ દબાવીને ઢિકાપાટુનો માર માર્યો હતો,અને ગાળો દીધી હતી.અલ્પેશભાઇ સાથેના ધર્મેશભાઇએ દરમિયાનગીરી કરીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ વિજય વસાવાએ થાંભલો અહિંથી લઇ જઇશ તો તારા હાથપગ ભાંગી નાંખીને જાનથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી. ઘટના સંદર્ભે અલ્પેશભાઇ પટેલે માર મારી ધમકી આપવા બાબતે વિજયભાઇ ચંદુભાઇ વસાવા રહે.ગામ સેલોદ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



