Upleta: ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ૭૯ લોકો માટે સુરક્ષિતસ્થળે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યાં છે. જે અન્વયે તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૩૦ કલાકની સ્થિતિ સુધીમાં ઉપલેટા શહેરમાં વાડલા રોડ પર મોજ નદી કાંઠા વિસ્તારના કુલ ૨૫ નાગરિકોને શિશુમંદિર ખાતે સ્થળાંતર કરાયા હતા. તેમજ ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના કુલ ૧૦ નાગરિકોને આર. કે. ભાયાણી હાઇસ્કુલ ખાતે, ગણોદ ગામના કુલ ૨૦ નાગરિકોને સરકારી પ્રાથમિક શાળા ખાતે અને લાઠ ગામના કુલ ૨૪ નાગરિકોને રાજપૂત સમાજની વાડી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ, કુલ ૭૯ લોકોને ભારે વરસાદના કારણે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી, તેમ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.



