AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ડુંગરોની ટેકરીઓ પર કુદરતી રીતે ઊગી નીકળતુ “રોયચા ઘાસ”આયુર્વેદની દ્રષ્ટિએ અક્સીર..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે જંગલોથી ભરમાર એવા ડાંગ જિલ્લામાં વનસ્પતિ ક્ષેત્રે પ્રકૃતિએ ઘણા વરદાન આપ્યા છે.જેમાં અહી જંગલો કુદરતની મહેર છે અને અનેક વન પેદાશો આપે છે જે માનવ જીવનને સુવિધાજનક

બનાવે છે.લાકડું અને ગૌણ વન પેદાશો જંગલમાં રહેનારાઓ માટે રોજગારીનો સ્ત્રોત બની રહે છે.આવી જ એક ગૌણ વન પેદાશ ડાંગના ડુંગરાળ પ્રદેશ તેમજ ઘાટ વાળા વિસ્તારમાં ઉગતી રોઇચો એટલે “રોઇસો “ઘાસની પ્રજાતી છે.જેનું તેલ ઔષધ

તરીકે ખૂબ ઉપયોગી છે.આ એક પ્રકારનાં ઘાસની પ્રજાતી છે.અને બહુધા દર વર્ષે આપોઆપ ડાંગના જંગલો અને ઘાટ વાળા વિસ્તારમાં ઉગી નીકળે છે.આ ઘાસને પિલીને જે તેલ મળે છે એ જ રોઈસાનું તેલ તરીકે ઓળખ ધરાવે છે.આ તેલ તીવ્ર સુગંધ ધરાવે છે અને વેદના શામક ઔષધ તરીકે ઉપયોગી છે.અન્ય સુગંધિત દ્રવ્યો બનાવવામાં તે ઉપયોગી થાય છે.વર્ષો અગાઉ ડાંગના વિસ્તારમાં આ રોઇસા ઘાસનું એકત્રીકરણ કરવામાં આવતુ હતુ.અને રોઈસા પિલાણ માટે આ ઘાસ પીલીને તેલ બનાવવામાં આવતુ હતુ.ડાંગમાં તેને રોઇચા તરીકે પણ ઓળખવામાં આવે છે.હાલમાં ડાંગના વિવિધ વિસ્તારનાં હાટ બજારમાં સ્થાનિક આદિવાસીઓ આ ઘાસને વેચવા માટે આવે છે. તેનું તેલ ઊંચી કિંમતે વેચાતુ હતુ.જો કે વર્ષો બાદ હવે પિલાણની પ્રવૃતિ અટકી ગઈ અને લેમન ગ્રાસ નામની ચાએ તેનુ સ્થાન લઈ લીધુ છે.જેથી આ સ્થાનિક વનસ્પતિ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે.ત્યારે પેરેડાઇઝ ડાંગ સંસ્થાનાં અમિતભાઈ રાણા જે પર્યાવરણ પ્રેમી છે અને ડાંગ જિલ્લાની સંસ્કૃતિ તેમજ પ્રકૃતિને અભ્યાસ કરતા આવ્યા છે.એમના દ્વારા એને ફરીથી ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.પ્રવાસીઓ પણ અહીં દૂર દૂરથી આવે છે તો એ લોકો પણ આ ઘાસનો ચા તરીકે તેનો ઉપયોગ કરે અને તેના તેલને માલિશ તરીકે વાપરે તે માટેના ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.હાલમાં ડાંગનાં આદિવાસી લોકોમાં અને આજના યુવાનોમાં આ વનસ્પતિ તેમજ ઘાસને ભૂલતા થયા છે અને એનો ઓછી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ વનસ્પતિને લોકોમાં એક આવક તરીકેના સ્ત્રોત બને તેના કોઈ પ્રયત્ન ન થયા અને આ એકમ સદંતર બંધ થઈ ગયુ છે.હાલમાં આ ઘાસ ડાંગના સાપુતારા વિસ્તારનાં સનસેટ પોઇન્ટ વાળા વિસ્તારમાં આ ઉપરાંત ચિંચલી તેમજ ઘાટ વાળા વિસ્તારમાં ઉગે છે. તેમજ અન્ય વિસ્તારમાં છે કે નહિ અને ઉગે છે તો એનો ઉપયોગ થાય છે કે કેમ એની ઝાઝી જાણકારી નથી.પેરેડાઇઝ ડાંગ સંસ્થા સ્થાનિક આદિવાસીઓને ગામમાં કે ગામ નજીક પૂરક આવક કે રોજગારી ઉપલબ્ધ કરાવવા આતુર બન્યા છે.જેથી મોસમી હિજરત આ

પ્રકારના ઉપાયોથી અટકી શકે એમ છે.ત્યારે રોઈસા ઘાસના ઉત્પાદનને નવેસરથી વેગ

આપીને આ દિશામાં નક્કર કામ થઈ શકે છે.ડાંગના કેટલાક વિસ્તારમાં આ ઘાસ આપમેળે ઊગતુ હતુ અને હાલમાં પણ કેટલાક વિસ્તારમાં ઉગી રહ્યુ છે એટલે આ વિસ્તારમાં તેની પદ્ધતિસરની ખેતીને માફક આવે એવી જમીન અને વાતાવરણ છે એ વાત નક્કી છે.ત્યારે જિલ્લાની કૃષિ વિશ્વ વિદ્યાલયો અને વન ઔષધ સંશોધન સંસ્થાઓમાં આ પ્રકારના સુગંધિત અને ઔષધીય ઘાસના ઉછેર અને બહુવિધ ઉપયોગોનાં અભ્યાસ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.વિશ્વમાં આ પ્રકારના કુદરતી રસાયણોનું એક આશાસ્પદ બજાર વિકસી રહ્યું છે અને વિસ્તરી રહ્યું છે.કૃત્રિમ રસાયણોની આડઅસરોથી વિશ્વને બચાવવાનો માર્ગ આ કુદરતની ભેટ જેવી વનસ્પતિઓ દર્શાવે છે.ત્યારે ડાંગ

જિલ્લાનાં જે જે વિસ્તારોમાં અગાઉ આ રોઈસા ઘાસ સારા એવા પ્રમાણમાં ઊગતુ હતુ તે હાલ મૃતઃપ્રાય થયુ હોય તો એને નવેસરથી ઉગાડવાનું વનવિભાગ શરૂ કરે એવી માંગ ઉઠી છે.ત્યારે વન વિભાગ અને ટ્રાઈબલ સબ પ્લાન દ્વારા અથવા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જિલ્લાના અનુકૂળ પોકેટ્સમાં રોઇસા ઘાસ ઉછેરના પાઇલોટ પ્રોજેક્ટ આદિવાસી ખેડૂતોને આપવાની જરૂર છે. તેની સાથે વિભાગ ઉત્પાદિત ધાસ ખરીદે અને તેના પિલાણ,પેકિંગ અને વેચાણ વિતરણનું આયોજન કરે એ ઇચ્છનીય છે.તેનાથી આદિવાસી કલ્યાણમાં એક નવુ પરિમાણ અને રોજગારી ઉમેરાશે..

બોક્ષ:-(1) ડાંગનાં જંગલોમાં હવે રોઇસા નામનું ઘાસ ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યુ છે.રોઇસા ઘાસ એ ડાંગના આદિવાસી વિસ્તારની ઓળખ હતી.અગાઉ ડાંગનાં જંગલોમાં પ્રવેશતાની સાથે જ રોઇસાની ખુશબુથી તન અને મન બંને મહેંકી ઉઠતા હતા.જોકે જંગલો ધીરે ધીરે ઘટતા તેની સાથે ઉગી નીકળતા રોઇસા ઘાસ પણ લુપ્ત થવા લાગ્યુ છે.પરદેશના બજારોમાં આ ઘાસનાં તેલની ભારે માંગ છે.આવા સુગંધિત તેલનો ઉપયોગ અત્તરો,સૌંદર્યપ્રસાધનો તથા સાબુની બનાવટમાં થાય છે.પહેલાનાં જમાનામાં ખાનગી ઇજારા પદ્ધતિથી આ ઘાસ ખરીદાતુ હતુ.સાથે મહુડો,ટીમરૂનાં પાન જે રીતે જંગલોમાંથી વીણી લાવી આજે બજારોમાં વેચાય છે તે જ રીતે રોઇસા ઘાસ પણ આઝાદી પૂર્વે ખાનગી વેપારીઓ દ્વારા ઇજારા પધ્ધતિથી વેચવામાં આવતુ હતુ.આ ઘાસ ખરીદવા માટે વેપારીઓ વચ્ચે હોડ જામતી.જે તે સમયે આદિવાસીઓને સ્પર્ધાત્મક બજાર મળી રહેતુ હતુ.ત્યાર પછી વનવિકાસ નિગમ આવ્યુ અને હવે આ ઘાસ જ લુપ્ત થવા માંડ્યુ છે..

Back to top button
error: Content is protected !!