ગાંધીધામ મહાનગરપાલિકાને 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ – રસ્તા, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને મળશે નવી ઓળખ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૩ નવેમ્બર : ગોપાલપુરી ગેટથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક ગૌરવ પથ તરીકે વિકસાવાશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :– ગુજરાતના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારી વેલ પ્લાન્ડ સીટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ ચીંધ્યો ગુજરાતમાં હોલીસ્ટિક સીટીના વિકાસ માટે શહેરી વિકાસ બજેટમાં ૪૦% ના વધારા સાથે રાજ્ય સરકારની ૩૦ હજાર કરોડની ફાળવણી.ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ.176 કરોડના વિકાસકામો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હોલિસ્ટિક સિટી, ઈઝ ઓફ લિવિંગની પરિકલ્પના તથા સર્વગ્રાહી વિકાસને સાર્થક કરનાર છે.નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આજરોજ પ્રથમવાર પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.176 કરોડના 66 વિકાસકામોની ભેટ આપી હતી. આ સાથે જ ઓસ્લો સર્કલ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી તેમની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણ તથા નવનિર્મિત ફ્લાય ઓવરનું “ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ” નામકરણ તેમજ સર્કલ ડેવલપમેન્ટ તેમજ પાર્કિંગ ફેસીલીટીના વિકાસ કામનું લોકાપર્ણ કર્યું હતું.ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં 176 કરોડના વિકાસકામોનું ઈ – ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર મારે અહીં આવવાનું થયું છે. કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતાં અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની વડાપ્રધાનશ્રી તથા રાજ્ય સરકારની નેમ છે. આ નેમને આગળ વધારતા રૂ. 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસનું રોલ મોડલ બનેલ ગુજરાતમાં વધતા જતા વિકાસને કારણે લોકો રોજી-રોટી માટે નગરોમાં વસતાં થયા છે ત્યારે નગરોમાં જન સુખાકારી અને પાયાની સુખ સુવિધાઓના કામોમાં ગતિ લાવવા રાજ્ય સરકાર નવી મહાનગરપાલિકાઓની રચના કરી રહી છે. આજ વિઝન હેઠળ વિકાસની ગતિ અને વ્યાપકતા વધારવા ગાંધીધામ નગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને નવી મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ગાંધીધામ નગરપાલિકાનું વાર્ષિક બજેટ 110 કરોડ રૂપિયા હતું. પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી તે છ ગણું એટલે 608 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગાંધીધામને શહેરી વિકાસની વિવિધ યોજનામાંથી પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તમાં સમાવેલ કામોની સરાહના કરતા જણાવ્યું હતું કે, હોલીસ્ટિક સીટીના વિકાસને વિચારને મૂર્તિમંત કરતા આ કામો સર્વગ્રાહી વિકાસની ઝલક દર્શાવે છે. સમય અનુકૂળ તથા નગરની પ્રાથમિક જરૂરિયાતોના કામોમાં આઇકોનિક રોડ, રસ્તા, પાણી, ગટર, ગાર્ડન–તળાવ સહિત જન જનને સ્પર્શતા વિકાસકામો સાથે મહાનગર પાલિકાએ આધુનિક કામો જેવા કે ફાયર સ્ટેશન તથા મોડર્ન લાઇબ્રેરી સહિતના વિકાસ કામોનો પણ સમાવેશ કર્યો છે જે સર્વગ્રાહી વિકાસ દર્શાવે છે.શહેરોનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો અને કઈ સ્પીડનો હોય તે ગુજરાતના નગરોએ દેશને બતાવ્યું છે તેવું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પહેલા વિકાસની માત્ર વાતો થતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસને ધરાતલ પર ઉતાર્યો છે. વડાપ્રધાનશ્રીએ કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને વિકાસ થકી વેપાર, ઉદ્યોગ, ધંધા-રોજગાર, વ્યવસાયો, શિક્ષણ, આરોગ્ય દરેકે ક્ષેત્રે ગુજરાતે વિકાસની ચરમસીમા લાંઘી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને વેલ પ્લાન્ડ સીટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ દેશને ચિંધ્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસના વિઝનને સાકાર કરવા આયોજનબદ્ધ અને સમય અનુકૂળ શહેરી વિકાસ માટે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી બાદ ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવાના અવસરે 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી કરી હતી. નાના શહેરો માટે મોટી સુવિધા આપતી આ યોજનામાં રાજ્ય સરકારે પાછલા દોઢ દાયકામાં 57 હજાર કરોડથી વધુ રકમનું પ્રાવધાન કર્યુ છે.નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં કેપેસિટી બિલ્ડીંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન વડાપ્રધાનશ્રીએ કરાવી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો સફળ પ્રયોગ આપ્યો છે. રાજ્ય સરકારે તેમના આ વિચારને અનુરૂપ ૨૦૨૫ના આ વર્ષને શહેરોના વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટથી ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ને ચરિતાર્થ કરવા ગુજરાત શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યું છે.આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં ૪૦% નો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસને એક બેંચમાર્ક સુધી પહોંચાડ્યો હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી હવે આપણે ભવિષ્યની જરૂરીયાત પ્રમાણે શહેરોનો વિકાસ કરવો છે. તે માટે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે.ગુજરાતના દરેક ક્ષેત્રની તાકાતને જાણીને તેના વિકાસનો મજબૂત પાયો નાખી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વિશ્વમાં નવી દિશા અને ઉંચાઈ આપી છે. ત્યારે તેમના વિઝનને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે અને રોજગારીનું સર્જન થાય તે માટે રાજ્ય સરકાર રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે જેના થકી વધુને વધુ રોકાણ વધશે. જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર – કચ્છની વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ કચ્છમાં આવતાં મોટા ઉદ્યોગોને અનુરૂપ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અને વધુને વધુ રોકાણ આકર્ષવા મહત્વપૂર્ણ બની રહેશે તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે 2047 સુધીમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા આજથી જ શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાના આયોજન પર ભાર મુકતા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ” દ્વારા સસ્ટેનેબલ સિટીઝના નિર્માણમાં આગળ વધવા અને ગાંધીધામ એમાં લીડ લે તેવો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાંથી મહાનગર મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ શહેરમાં પ્રથમવાર પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શહેરીજનો દ્વારા એરપોર્ટથી ગોપાલપુરી સહિતના વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અભિવાદનમાં ગાંધીધામ શહેરના વિવિધ સમાજના નાગરિકો જોડાઈને રાજ્ય સરકારના સર્વ સમાવેશી વિકાસની પ્રતિબદ્ધતાને આવકારી હતી.આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વિભાજનની વેદનામાંથી ઊભું થયેલું આ ગાંધીધામ નગર આજે આર્થિક અને બંદરીય પ્રવૃત્તિનું ભારતનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. સાંસ્કૃતિક, આર્થિક તેમજ સામાજિક ક્ષેત્ર વિકસિત ગાંધીધામના વિકાસને વધુ તેજ ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપતા હવે આ શહેરનો આયોજનબદ્ધ વધુ વિકાસ શક્ય બનશે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે અને આ જ પ્રેમના કારણે જ તેમણે કચ્છનો સાર્વત્રિક વિકાસ કર્યો છે. અને આ જ વિઝનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. કચ્છ પ્રત્યે વિશેષ આત્મીયભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિવિધ નર્મદા,રોડ,રસ્તા તેમજ અનેક ક્ષેત્રોના પ્રશ્નોને હલ કરી કચ્છની વિશેષ ચિંતા સેવી છે.આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, મહાનગરપાલિકા કમિશ્નર શ્રી મનીષ ગુરુવાણી, દિનદયાળ પોર્ટ ચેરમેનશ્રી સુશીલકુમાર સિંગ, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી તેજસ શેઠ સહિતના આગેવાનશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.બોક્સ,176.09 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓનો વિકાસ કરાશે,79.46 કરોડના ખર્ચે ડામર રોડના વિકાસ કામ,22.76 કરોડના આર.સી.સી રોડના કામ,0.50 કરોડના પેપર બ્લોક રોડના કામ,6.98 કરોડના સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના 2 કામ,4.15 કરોડના ખર્ચ બોક્સ કલવર્ટના કામ,5.19 કરોડના ગાર્ડન ડેવલોપમેન્ટના કામ,8.69 કરોડના ભૂગર્ભ ગટર લાઈનના કામ,8.42 કરોડના સીટી બ્યુટીફિકેશનના કામ,8.60 કરોડના તળાવ ડેવલપમેન્ટનું કામ,4.45 કરોડના ખર્ચે સ્માર્ટ લાઈબ્રેરીનું કામ,16.36 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું કામ,3.47 કરોડના પાણી પુરવઠાના કામ,0.92 કરોડના આંગણવાડીના કામ,1.61 કરોડના સ્ટ્રીટ લાઈટના કામ,1.06 કરોડના આઇકોનિક પ્રવેશદ્વારનું કામ,3.20 કરોડના સ્મશાન ડેવલોપમેન્ટનું કામ.






