છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની સર્વપ્રથમ એવી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન–2025 અંતર્ગત સહકારીતા સ્નેહમિલન કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ કરી હતી.
આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્યો અભેસિંહભાઈ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, સાથે જ તાલુકા તથા જિલ્લાના રાજકીય, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો, તેમજ બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અનુસાર “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” ના મંત્રને આવનારા નવા વર્ષમાં વ્યાપક રીતે સાકાર કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” ના આહવાનને બળ આપતા, સહકારી મંડળીઓના આગેવાનો અને ખેડૂતમિત્રોને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપવાની આગ્રહપૂર્ણ અપીલ કરી હતી. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગમાં વૃદ્ધિ લાવવી આજના સમયમાં અત્યંત જરૂરી છે, એવી ભાવના સૌએ વ્યક્ત કરી હતી.