Rajkot: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

તા.૨૪/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, યોગ એ આપણા શરીરને જ નહીં, પણ આપણા મનની ભાવના અને આત્માને પણ પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. બહેનોનું જીવન અનેક જવાબદારીઓથી ભરેલું છે. ઘર, પરિવાર, બાળકો, સમાજ – દરેક જગ્યાએ આપણે આપણા શ્રેષ્ઠનું અર્પણ કરીએ છીએ. યોગ એ આપણા પોતાના માટે કરવાની ક્રિયા છે. યોગ કોઈ કસરત નથી, યોગ જીવનશૈલી છે. યોગ દરેક મહિલાનું રક્ષણકવચ છે જે સ્વસ્થ શરીર, શાંત મન અને ખુશ જીવન માટે યોગને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ.
ચેરમેન શ્રી શીશપાલજીએ સહજ અને સરળ શૈલીમાં સૌને યોગ ટ્રેનર બનવા માટે પ્રેરિત કર્યા હતા, તેમજ ટ્રેનર—કોચ તરીકે યોગ બોર્ડ સાથે જોડાવાના ફાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ, નિરોગી અને સંતુલિત જીવન શૈલી પ્રાપ્ત થાય તે છે. યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં હાલ 1200 યોગ કોચ, 1,53,000 ટ્રેનર્સ અને 5000 થી વધુ નિશુલ્ક યોગ કક્ષાઓ દ્વારા યોગનો વ્યાપક પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી કલેક્ટર શ્રી ચાંદની પરમાર, અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવભાઈ દવે ઝોન કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણી, રાજકોટ જિલ્લા કો-ઓર્ડિનેટર હિતેશભાઈ કાચા, રાજકોટ મહાનગર કો-ઓર્ડિનેટર ગીતાબેન સોજીત્રા અને મીતાબેન તેરૈયા, દર્શનાબેન આહિયા, યોગ કોચ પારૂલ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.










