યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડારતું પાટડી તાલુકાનું ખેરવા ગામ, ગામમાં CCTV કેમેરા અને આધુનિક શાળા બની ખેરવા ગામની નવી ઓળખ
૨૭ વર્ષના એન્જિનિયર સરપંચે બદલી નાખી ગામની તસવીર, માળખાગત વિકાસને આપી સર્વોચ્ચ અગ્રતા

તા.25/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
૨૭ વર્ષના એન્જિનિયર સરપંચે બદલી નાખી ગામની તસવીર, માળખાગત વિકાસને આપી સર્વોચ્ચ અગ્રતા, ગુજરાત સરકારની એક મૂળભૂત વિચારધારા છે કે રાજ્યનો સાચો અને ટકાઉ વિકાસ તેના ગામડાઓના સશક્તિકરણમાં રહેલો છે આ સંકલ્પને સાકાર કરતું એક જીવંત ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ખેરવા ગામ પૂરું પાડે છે આ ગામના વિકાસની ગાથા માત્ર સ્થાનિક સિદ્ધિ નથી પરંતુ સમગ્ર રાજ્યના યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત છે કે તેઓ પોતાના જ્ઞાન અને ક્ષમતાનો ઉપયોગ માતૃભૂમિના વિકાસ માટે કેવી રીતે કરી શકે આ પરિવર્તનનું સુકાન યુવા અને શિક્ષિત સરપંચ જીજ્ઞેશભાઈ નારાયણભાઈ રાઠોડના હાથમાં છે માત્ર ૨૭ વર્ષની નાની વયે ચૂંટાયેલા અને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતા જીજ્ઞેશ ભાઈએ સાબિત કરી દીધું છે કે જ્યારે યુવા જ્ઞાન, દૃઢ નિશ્ચય અને સેવાભાવનું સંયોજન થાય છે ત્યારે ગામડાઓનો કાયાકલ્પ કરવો શક્ય છે તેમની આગેવાની હેઠળ ખેરવા ગામના વિકાસે એક નવી અને આશાસ્પદ દિશા પકડી છે જે ગુજરાત સરકારના ગામડું બને સમૃદ્ધ, તો જ રાજ્ય બને સમૃદ્ધ’ના સંકલ્પને મૂર્તિમંત કરે છે ખેરવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા કાર્યો પર દૃષ્ટિપાત કરીએ તો જણાય છે કે સ્થાનિક નેતૃત્વની પ્રાથમિકતા મૂળભૂત માળખાગત સુવિધાઓને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહી છે સરપંચએ ગામની આશરે ૩૫૦૦-૪૦૦૦ની વસ્તીને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર યોજના અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું એક ડિપ્લોમા એન્જિનિયર તરીકેની પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને, તેમણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવતી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નળ સે જળ યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકી જેનાથી ગામના દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થયું આ સિદ્ધિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સરકારી ગ્રાન્ટની સાથે-સાથે ગામના જાગૃત લોકફાળાનું પણ એટલું જ મહત્વનું યોગદાન રહ્યું છે જે ખરેખર ગુજરાતના ગ્રામીણ સશક્તિકરણના મોડેલને ઉજાગર કરે છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી પ્રેરિત થઈને લોકભાગીદારી દ્વારા મોટા પ્રોજેક્ટ્સ પાર પાડવામાં આવે છે વર્ષો જૂના બિસ્માર રોડ અને નાળાનો પ્રશ્ન સરકારી ગ્રાન્ટ અને અંગત ખર્ચ દ્વારા ઉકેલવો એ તેમની કાર્ય પ્રત્યેની તત્પરતા અને નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્થાનિક વિકાસની સાથે-સાથે, સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય પણ એટલું જ મહત્વનું છે જીજ્ઞેશભાઈએ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે સકારાત્મક સંકલન સાધીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ બાકી લાભાર્થીઓના મકાનો મંજૂર કરાવ્યા જેથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું આવાસ મળી શકે એટલું જ નહીં પ્લોટ- વિહોણા લોકોને ઘરથાળના પ્લોટની સહાય પૂરી પાડવામાં આવી છે અને વિધવા-વૃદ્ધ પેન્શન જેવી સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને મળે તે સુનિશ્ચિત કર્યું છે નવું ગ્રામ પંચાયત ઘર, CCTV કેમેરાથી સજ્જ સુરક્ષિત ગામ, અને પ્રોજેક્ટ લાઇફ સંસ્થાના સહયોગથી શાળાને અદ્યતન બનાવવાની કામગીરી શિક્ષણ અને સલામતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આધુનિક યુગ સાથે તાલ મિલાવતા જીજ્ઞેશભાઈએ ગ્રામ પંચાયતની કામગીરીમાં ડિજિટલ પદ્ધતિઓ અપનાવીને પારદર્શિતા અને સરળતા લાવી છે સરકારી યોજનાઓના ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા સુધીની તમામ પ્રક્રિયાઓ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને ગામલોકોને તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે જીજ્ઞેશભાઈ રાઠોડ જેવા યુવા નેતાઓ માત્ર ખેરવા ગામનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યા છે જ્યાં સેવાયજ્ઞનો આ દીપક નિરંતર પ્રજ્વલિત રહેશે.






