નવોદય ક્લાસના વિદ્યાર્થીઓને સંવિધાન દિવસે સંવિધાન વિશેની જાણકારી આપી દિવસ ઉજવવામાં આવ્યો.

તારીખ:૨૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારતનું સંવિધાન દેશના નાગરિકોને ન્યાય, અધિકાર ની સાથે સાથે આઝાદ જીવન આપે છેઃ દિનેશ બારીઆ
કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની સ્પેશિયલ તૈયારી કરાવતા બોડેલી નવોદય ક્લાસમાં આજ ૨૬ મી નવેમ્બર ભારતીય બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને ક્લાસના સંચાલક દિનેશભાઈ બારીઆ દ્વારા સંવિધાન વિશેની માહિતી આપવામાં આવી હતી. સંવિધાન એટલે શું, સંવિધાન શા માટે જરૂરી છે, કોને બનાવ્યું, કેમ બનાવ્યું , ક્યારે અમલમાં મૂકાયું, સંવિધાન નું સ્વરુપ, બંધારણ ન હોત તો શું થાત, બીજા દેશો સાથેની સરખામણી જેવા મુદ્દાઓ પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી. ભારતના પ્રાચીન ઇતિહાસની વ્યવસ્થા, રાજાઓની શાસન વ્યવસ્થા, અંગ્રેજોની શાસન વ્યવસ્થા વિશેની માહિતી આપી અને હાલની લોકશાહી શાસન વ્યવસ્થા સમજાવવામાં આવી હતી. આજની શાસન વ્યવસ્થા ભારતીય સંવિધાન આધારિત છે અને આ સંવિધાન તમામ દેશ વાસીઓને ન્યાય, અધિકાર, હક્ક, વ્યવસ્થા આપે છે અને સાથે સાથે જીવન જીવવાની આઝાદી આપે છે. તમામ જાતિ, સમાજ, ધર્મને સમાનતા આપે છે. આજના દિવસે બંધારણ સમિતિના સભ્યો તથા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. ભીમરાવ આંબેડકર જીના સવિશેષ યોગદાનને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭, ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ તથા ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ એમ ત્રણ દિવસ અને આ સમયગાળા વચ્ચેની ઘટનાઓ ભારત દેશના ઇતિહાસમાં કેટલી અને કેવી રીતે મહત્વની છે તે વિશે પણ જાણકારી આપી હતી અને ભારતના દરેક નાગરિકે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓએ તો ફરજીયાત જાણવી જોઈએ અને સમજવી જોઈએ તેવી વાત કરી હતી.






