MORBI:મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને વાજતે ગાજતે રેલી કાઢી મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા

MORBI:મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને વાજતે ગાજતે રેલી કાઢી મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા
મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને વાજતે ગાજતે રેલી કાઢી મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા છે. અહીં મહિલાઓએ ફટાણા અને રામધૂન ગાઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે મહાપાલિકા હાય-હાયના નારા પણ લગાવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં 125 જેટલા મકાનો છે. વર્ષોથી પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.અહીં રોડ ખાડા-ખબડા વાળા છે. તે ચાલશે પણ પાણી વગર અમારે કેમ ચલાવવું ? દર 15 દિવસે મહાપાલિકાએ અધિકારીઓના પગ પકડવા અમે આવીએ છીએ. એક વખત મહાપાલિકા કચેરીએ હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો, ત્યારે પાંચેક દિવસ પાણી આવ્યું. ત્યારપછી ફરી પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. વધુમાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહાર આવી તેમની સમસ્યા સાંભળે તેવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે મહાપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનર સ્થાનિકોની સમસ્યા સાંભળવા બહાર આવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ સ્થાનિકોને જણાવ્યું કે મહાપાલિકાએ ડીપીઆર તૈયાર કરી સર્વે કરાવ્યો છે. આ વિસ્તારમાં પાઈપલાઈન પીવીસીની છે. જેને કારણે પુરસ પ્રેસરથી પાણી ન આવતું હોવાની શકયતા છે. ડીઆઈ નેટવર્ક બનાવવાનો રૂ.11 કરોડનો પ્રોજેકટ સરકારમાંથી મંજુર કરાવ્યો છે. કલેકટરના ઠરાવ બાદ આ પ્રોજેકટનો વર્ક ઓર્ડર તૈયાર થશે. આ સમસ્યાનું કાયમી નિવારણ ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક છે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશનમાં વાલ્વ મૂકી દઈએ અને એક-બે કલાક માટે માત્ર આ વિસ્તારમાં જ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવી શકીએ. આના માટે એક અઠવાડિયાનો સમય થશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ગેરકાયદેસર કનેક્શન છે તેની સામે મહાપાલિકા રેગ્યુલરાઇઝની નવી પોલિસી ટૂંક સમયમાં લાવશે. વધુમાં તેઓએ પાણીના ટાકા નાખવાની પણ તૈયારી દર્શાવી હતી.
બીજી તરફ સ્થાનિકોએ પાણી પ્રશ્નનું કોઈ સંતોષકારક નિવારણ આપવાની માંગ કરી છે. જ્યાં સુધી સોસાયટીમાં પાણી નહિ આવે ત્યાં સુધી મહાપાલિકા કચેરીએ જ બેસી રહેવાનો નીર્ધાર જાહેર કર્યો છે. જેને પગલે બન્ને ડેપ્યુટી કમિશનર પણ પોતાની ચેમ્બરમાં પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.









