માટીખનન પર દરોડો:વાગરાના ગલેન્ડા ગામે માટીચોરીનું કૌભાંડ, 1.15 કરોડના વાહનો જપ્ત

સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના ગલેન્ડા ગામે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદે માટીખનન પર દરોડો પાડયો હતો. ગલેન્ડા ગામમાં માટી ચોરી તથા માટીનું વહન કરવામાં આવી રહયું હોવાની માહિતી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી
ટીમના દરોડા દરમિયાન સ્થળ પર 3 ડમ્પરો તેમજ એક એસકેવટર મશીન મળી કુલ 1.15 કરોડના વાહનો મળી આવ્યાં હતાં. ટીમે તમામ વાહનો મશીનરીની કસ્ટડી દહેજ પોલીસને સોંપી હતી. જીપીએસના આધારે માપણી કરી અત્યાર સુધી કેટલી માટીનું ખોદકામ કર્યું તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
ઘટના સ્થળે કરેલાં પંચકયાસમાં તે સ્થળ પર રાજૂ પટેલ નામના એક શખ્સ દ્વારા ગેરકાયદે રીતે માટી ચોરી કરવામાં આવી રહ્યું છે. માપણી પ્રક્રિયાના રિપોર્ટના આધારે તેમને દંડ ફટકારવામાં આવશે. ભરૂચ જિલ્લામાં નવી કંપનીઓ તથા નવા વિકાસ કામો માટે માટીની માગમાં વધારો થયો હોવાથી ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે.
સરકારી જમીનો પર બેફામ રીતે માટી ખોદી તેને વેચીને ભૂમાફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહયાં છે.




