
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
એક ભારત, અખંડ ભારતના સંદેશ સાથે સરદાર સ્મૃતિવન નાગરિકો માટે બનશે પ્રેરણારૂપ.
ભુજ, તા -૦૪ ડિસેમ્બર : કચ્છમાં રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા “સરદાર સ્મૃતિવન”માં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. અખંડ ભારત, એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતાં “સરદાર સ્મૃતિવન”માં ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલના એકતા અને અખંડિતતાના વિચારને જનજન સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ આ સરદાર સ્મૃતિવન બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, અનિરુદભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન દેવજીભાઈ વરચંદ, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક જયનકુમાર પટેલ સહિતના પદાધિકારી ઓ તેમજ વન વિભાગના ઉચ્ચઅધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







