નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું કર્યું લોકાર્પણ

5 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કુલ રૂ.૯.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઈન્ડોર હોલ થકી સ્થાનિક રમતવીરોને મળશે ઘર આંગણે સુવિધાઓ.બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, શુટિંગ રેન્જથી લઈને જીમ સહિતની સુવિધાઓ હવે એક જ છત હેઠળ મળી રહે.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવાદ સાધ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે. કુલ રૂ. ૯.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે ૨૦૦ મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામેલ ઇન્ડોર હોલ થકી બનાસકાંઠા જિલ્લામાં રમત ગમત ક્ષેત્રની સુવિધાઓમાં વધારો થશે. ખેલ ક્ષેત્રની આધુનિક સુવિધાઓ મળવાથી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







