
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુર ખાતે ત્રણ તાલુકાના ખેડૂતોનું પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું… પ્રાકૃતિક ખેતીએ ઘટાડ્યો ખર્ચ, વધારી આવક
*અરવલ્લીના ખેડૂતોનો સંકલ્પ,રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવીશું : ધવલસિંહ ઝાલા*
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતો માટે આજરોજ માલપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ-માલપુર વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ એન. ઝાલાએ અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

આ સંમેલનમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન (મલ્ચિંગ), વાફસા અને મિશ્રપાકના ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત રાઠોડ બચુભાઈએ પોતાના અનુભવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતીથી ખેતરની જમીનની ફળદ્રુપતા વધી છે, ખર્ચ ઘટ્યો છે, ઉત્પાદનમાં ગુણવત્તા આવી છે અને ખેડૂતની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.”પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવનાર કૃષિ સખી તથા CRPનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના સફળ અનુભવો જણાવી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સંબોધન કરતાં જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે તફાવત શું છે..?હકીકતમાં શું આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા તૈયાર છીએ.? આ બંને પ્રશ્નોનો જવાબ આપણે જાતે મેળવવાનો છે..પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ છે અને રાસાયણિક ખેતીએ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. આજે પ્રાકૃતિક ખેતી માટે ખાતર બનાવવા મતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સહાય પણ અપાવામાં આવે છે..અને તમામ પ્રકારની માહિતી સરકાર દ્વારા વારંવાર થતી તાલીમોથી આપવામાં આવે છે.અરવલ્લી જિલ્લામાંથી પ્રાકૃતિક ખેતી આધારિત પકવવામાં આવેલા પાક એક બ્રાન્ડ બને અને આગળ માંગ વધવાની શક્યતાઓ વચ્ચે સફળ થઇ શકીએ છીએ.દેશી ગાય રાખીએ અને તેનાથી પ્રાકૃતિક ખેતી સરળ બને છે.પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી માટે સ્વસ્થ જમીન અને સ્વસ્થ ખોરાકની ખાતરી આપે છે. સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને તેના તમામ લાભો મળે તે માટે દરેક પ્રયાસ કરશે.”કાર્યક્રમમાં માલપુર તાલુકા પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, માલપુર મામલતદાર તેમજ જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ અને ત્રણેય તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં વધુ જાગૃતિ આવી અને નવા ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.





