AHAVADANG

કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત ડાંગના પ્રભારી મંત્રી ડૉ.જયરામ ગામિતના હસ્તે સાપુતારા ખાતે નવનિર્મિત શાળા સંકુલના લોકાર્પણ..

વાત્સલ્યમ સમાચાર 

   મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લાના કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા, ખાતે નવનિર્મિત શાળા સંકુલ તથા એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કુલ, ગારખડીના છાત્રાલય અને સ્ટાફ કવાર્ટસ મકાનનાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો :*

*જી.એલ.આર.એસ. સાપુતારાનું મકાન રૂ. ૨૦૨૦ લાખ અને ઇ.એમ.આર.એસ. ગારખડીનું મકાન રૂ. ૧૪૯૭ લાખ મળી કુલ આશરે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે નવ નિર્મિત મકાનોનું લોકાર્પણ કરાયું :*

ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા ખાતે રાજ્યના આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા, નવનિર્મિત શાળા સંકુલ રૂ. ૨૦૨૦ લાખ તથા એકલવ્ય મૉડેલ રેસિડેન્સિયલ સ્કુલ, ગારખડીના છાત્રાલય અને સ્ટાફ કવાર્ટસ મકાન રૂ. ૧૪૯૭ લાખ મળી આશરે  રૂપિયા ૩૫ કરોડ  ખર્ચે નવ નિર્મિત મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કન્યા સાક્ષરતા નિવાસી શાળા, સાપુતારા નવનિર્મિત અને ભવ્ય સંકુલનું અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગારખડીના છાત્રાલય અને સ્ટાફ ક્વાટર્સના લોકાર્પણ એ માત્ર ઇમારતોનું લોકાર્પણ નથી, પરંતુ ડાંગના આદિવાસી વિસ્તારોના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ઇમારતનો શિલાન્યાસ છે.

ડાંગ જિલ્લામાં કુલ ૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ૧ કન્યા સાક્ષરતા નિવાસી શાળા કાર્યરત છે. આ તમામ સંસ્થાઓમાં કુલ ૨૭૩૯ જેટલા વિદ્યાર્થીઓ નિવાસની સુવિધા સાથે ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. માલેગામ, બારીપાડા, ગારખડી, ચિંચલી, અને મહાલની EMRS શાળાઓ અગાઉ આશ્રમ શાળા તરીકે કાર્યરત હતી. તેને વર્ષ ૨૦૧૪માં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હેઠળ EMRS માં પરિવર્તિત કરીને આધુનિક શિક્ષણના દ્વાર ખોલવામાં આવ્યા છે.

સરકારશ્રીના દ્રઢ સંકલ્પથી અહીં નવીન શાળા ભવન, આધુનિક કન્યા છાત્રાલયો, સ્વચ્છ રસોઇઘર, ભોજનાલય, સ્ટાફ ક્વાટર્સ અને અદ્યતન સાયન્સ લેબ સહિતની તમામ માળખાકીય સુવિધાઓ સાથેનું એક ભવ્ય શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે. આ સંકુલની ક્ષમતા ૪૮૦ વિદ્યાર્થીનીઓ માટેની છે, અને તેના નિર્માણ પાછળ કુલ રૂ. ૨૦૨૦.૦૦ લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે.તેમ મંત્રીશ્રી જણાવ્યું હતું.

ગુજરાત સરકારના નાણાકીય સહયોગથી બનેલા EMRS ગારખડીના નવનિર્મિત છાત્રાલય અને સ્ટાફ ક્વાટર્સનું પણ લોકાર્પણ કરી રહ્યા છીએ. તેના નિર્માણ પાછળ કુલ રૂ. ૧૪૯૭.૦૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ શાળા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન મંજૂર કરવામાં આવી હતી.હાલમાં અહીં ધોરણ ૬ થી ૧૧ સુધીના ૩૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.

EMRS અને કન્યા સાક્ષરતા નિવાસી શાળાના રૂપમાં, સરકારે આદિવાસી યુવાનોના હાથમાં શિક્ષણનું આ હથિયાર પકડાવ્યું છે. આધુનિક સુવિધાઓ અને ઉત્તમ શિક્ષણ થકી,  પ્રત્યેક વિદ્યાર્થી પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે તૈયાર થઈ રહ્યાં છે. ત્યારે સરકારે વિશ્વસ્તરીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તમામ સંસાધનો પૂરા પાડ્યા છે.

સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે. હાલની પરિસ્થિતિ જોતા દરેક જગ્યાએ સ્પર્ધાઓ છે ત્યારે શાળાના વિદ્યાર્થી મહેનત કરીને આગળ વધે અને સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે. ખાસ કરીને દીકરીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીનીઓ બને તે માટેનું સ્વપ્ન છે. મંત્રીશ્રી વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, દીકરીને ખુબ જવાબદારી પૂર્વક ભણાવવું સાથે જ સારાં સંસ્કાર આપવા, એક દીકરી ઘરને તારી જાય છે.

હાલમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ  IIT જેવી સંસ્થાઓમાં શિક્ષણ મેળવી રહ્યાં છે. ચાલુ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ, એમ.બી.બી.એસ જેવાં વિષયોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે. જે આવનાર સમયમાં વિકસિત ભારત તરફ માટેનું એક પગલું છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, અન્ય સમજોની હરોળ આદિજાતિ સમાજ આવી શકે તે માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતી વિગેરેની સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર પ્રયત્નશીલ છે.  સાથે જ આદિજાતિ વિસ્તારોમાં સારૂ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર સતત ચિંતિત પણ છે.

વધુમાં મંત્રીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાન દ્વારા અખંડ ભારતનો પાયો વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ધારાસભ્ય  વિજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, અધ્યતન સુવિધાઓ યુક્ત આ નવ નિર્મિત મકાનો વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે. ડાંગ જિલ્લામાં કુલ નવ જેટલી એકલવ્ય શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષક મેળવે તે માટે સરકાર દ્વારા જરૂરી સહાય અને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ બાળકો પ્રત્યે સજાગતા દાખવે તે જરૂરી છે.

વધુમાં પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ કેળવી મહેનત કરવા જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા અધ્યતન સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ સુવિધાઓનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ મેળવવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શાળા સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા હતી.

આ કાર્યક્રમ પ્રસંગે મરામત અને નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લાના કુલ ૧૬ સરપંચશ્રીઓને, સરપંચ દીઠ રૂપિયા ૨ લાખ પુરસ્કાર રકમ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ડાંગ કલેક્ટર  શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી  કે.એસ.વસાવા, પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, સહિત ભાજપા પ્રમુખ  કિશોરભાઈ ગાવિત, મહામંત્રી દિનેશભાઇ ભોયે તેમજ સરપંચઓ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!